vishtii - Free-verse | RekhtaGujarati

જરૂર કૃષ્ણ કોઈક દુર્યોધનની સભામાં

વિષ્ટિ કરવા ગયા હશે!

નહીં તો આટઆટલાં શસ્ત્રોનો થાળ

માનવી અમસ્તો ન ખડકે;

કોની પાસે કેટલી અક્ષૌહિણી સેના છે

એની ગણતરી કરવા કૉમ્પ્યુટરોને કામે ન લગાડાય;

આકાશમાં ઘેરાઈને વીખરાતાં વાદળો જેવાં મન

ઉદાસીની ઝરમર ઝરી શૂન્ય ન બની જાય.

સોયના બિંદુ પર ટકે એટલું સત્ય પણ શેષ ન રહ્યું હોય

ત્યારે શેષનાગ કંપી ઊઠે છે.

પૂર્વમાં ઊગેલો સૂર્ય

પશ્ચિમમાં આથમે

ત્યારે ઇતિહાસનો દિવસ પૂરો થશે

કે અઢાર દિવસ પહેલાંની

કે પછીની રાત્રિ ઊગશે?

શસ્ત્રો, વિમાનો, સબમરીનો,

આ પૃથ્વીને આગ લગાડી અવકાશમાં વસવા જવા

માટેનાં રૉકેટો, અવકાશયાનો અને ઉપગ્રહો.

રાજભોગની આ તૈયારી

વિષ્ટિએથી પાછા ફરનારા કૃષ્ણ માટે જ

કરી છે શું?

જરૂર

કૃષ્ણ કોઈક દુર્યોધનની સભામાં

વિષ્ટિ કરતા હશે,

નહિતર....

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ