manso ha atDa maltawDa - Free-verse | RekhtaGujarati

માણસો : અતડા-મળતાવડા

manso ha atDa maltawDa

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
માણસો : અતડા-મળતાવડા
હરીશ મીનાશ્રુ

અતડા માણસો

અતડા માણસો

લવિંગની અવેજીમાં નખ ચાવે છે,

બારી સાથે ભીંત જેવો અજુગતો વ્યવહાર કરે છે.

પીઠ દેખાતી હોવા છતાં

એમને ધબ્બો મારી શકાતો નથી.

જાહેર સ્થાનો પર

દેખાય છે પાલી ભાષામાં કોતરાયેલા શિલાલેખ જેવા

દેખીતી રીતે ઉઘાડા છતાં ગૂમસૂમ.

‘ધોળી મૂશળી’ બોલવાથી

આપણને–ઇતરજનને જેમ નથી સમજાતો શબ્દનો વાચ્યાર્થ સુધ્ધાં:

એમના પડછાયાનું પણ એવું છે.

મેળાવડાઓમાં એમને મૂંઝવણ થાય છે કે

એમણે ખરેખર શું કરવાનું છે

જાણે મુઠ્ઠી વાળતી વખતે વધારાની છઠ્ઠી આંગળી.

કોરીકટ જીભ, સુનમુન હોઠ

ને ઓછાબોલી આંખથી

આછું ઓછું બોલતા હોય છે ત્યારે

કક્કો સુકાઈને કોકડી બની જાય છે.

અનુનાસિક ‘ઙ’ ની જેમ કાળે કરીને

પોતાની ઉપયોગિતા વિષે સાશંક બની જાય છે.

દૂરનાં સગાંઓને ટિકિટચેકરને જોતા હોય એમ જોઈ રહે છે

ને પેન્સિલને અણી કાઢતી વખતે

એમનાથી અણીના સમયે અણી બટકી જાય છે, હરહંમેશ

ને બચી જાય છે પેન્સિલનું બુઠ્ઠું અતડાપણું.

હું તમને અતડા માણસોને ઓળખી લેવાની

થોડીક એંધાણીઓ બતાડું?–

સાંજ પડે ઘેર પાછા ફરે છે ત્યારે પોપચાંના પડીકે

બંધાયેલી હોય છે બે આંખો, વિષાદના ઓગળતા ગાંગડા જેવી.

મ્હોંનો સ્વાદ હોય છે દેશકાળની જેમ લગાર કડૂચો

ને જીભ ભાષાનો ડૂચો

જિંદગીની ધૂળ, ચીકટ અને પરસેવાને કારણે

એમના ખમીસના કૉલર મેલા થયેલા હોય છે.

મળતાવડા માણસો

મળતાવડા માણસો

મોટા ભાગે ફૂલોને નામ દઈને બોલાવે છે,

ને ક્યારેક પાંદડીઓની ખીજ પણ પાડે છે.

જ્યારે ખરીદી કરે છે ત્યારે

શ્હેરની મધ્યમાં મૉલના મુલાકાતીઓની સંખ્યા

બિનજરૂરી રીતે વધારે જણાય છે.

અખબારમાંથી ગમખ્વાર બસ-અકસ્માતના સમાચાર

મૃતકના પરિવારને દિલસોજી પાઠવતા હોય એમ

કરુણાપૂર્વક મોટેથી વાંચે છે.

ટાણેકટાણે એમના મ્હોંમાંથી ઇલાયચીની આછી ગંધ ફેલાય છે.

ચપટી વગાડતામાં

અમરીની ડૂંખ અને ઝાકળનાં ટીપાંનો સરવાળો કરી શકે છે.

ભળી જાય છે

ક્યારેક વ્યંજનમાં લવણની જેમ,

ક્યારેક વ્યંજનમાં સ્વરની જેમ.

મળતાવડા માણસો

પંખીઓની શૈલીને અનુસરીને

ભાષામાંથી અવાજો

અવાજોમાંથી અર્થો

અને અર્થોમાંથી આશ્ચર્યો છૂટાં પાડી દે છે

આવું કરવાથી, આમ તો, કૈં કહેતાં કૈં બચતું નથી :

સિવાય કે મળતાવડાપણું.

સ્રોત

  • પુસ્તક : બનારસ ડાયરી (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2016