Virme Chhe - Free-verse | RekhtaGujarati

ત્યારે રાતનો એક થયો હશે

કે કદાચ દોઢ.

લાકડાના પાર્ટીશનની પાછળ,

હૉટેલનો એક ખૂણો :

આપણા બે સિવાય બધું જ નિર્જન-ખાલીખમ હતું.

પ્રકાશ પાથરતો દીવો.

સૂતો હતો વેઈટર બારણા કને.

કોઈ આપણને જોઈ શકતું ન હતું.

પણ, આમેય તે, આપણે આપણામાં એટલાં મગ્ન અને ઉન્મત્ત હતાં

તકેદારી રાખવી એ આપણા માટે શક્ય ન હતું.

આપણાં વસ્ત્રો અધખૂલાં-આપણે ઝાઝું પહેર્યું પણ ન હતું :

તે સરસ હૂંફાળી મોસમ હતી.

અધખૂલાં વસ્ત્રોમાંથી

દેહલીલાનો કેફ;

માંસલતાનો આવો ઝબૂકિયો ઉઘાડ – એક દૃશ્ય

જે છવ્વીસ વર્ષ વટાવી

અને હવે વિરમે છે આ કવિતામાં.

(અનુ. ભાનુ શાહ)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ