tara chalya gaya pachhini kawita - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારા ચાલ્યા ગયા પછીની કવિતા...

tara chalya gaya pachhini kawita

મધુકાન્ત કલ્પિત મધુકાન્ત કલ્પિત
તારા ચાલ્યા ગયા પછીની કવિતા...
મધુકાન્ત કલ્પિત

મીંઢળવનોમાં ટોળટપ્પા મારતો પવન

હજી તો ડોકાયો યે નથી

ને

વિહંગાયેલ આકાશને લઈ

તું

બીજા નગરમાં કેમ ચાલી ગઈ છે?

એક વાર ઘૂમરી ખાઈને ગયાં

પછી તો નક્ષત્રોયે પાછાં ફર્યાં નથી;

ને

નથી પાછા ફર્યા લીલા સંકેતોના દૂન

દેવળની પ્રાર્થના પૂરી કરીને.

મારા ઇતિહાસના પાનેપાને લખેલી

લોહીઝાણ નગરીઓનાં કેસૂડાં ટેરવાંમાં

ગાવા બારી રાખેલ

વલ્લરી નાતાલને હજી વ્હેતી તો મૂકવા દે લગાર?

સરુઓનાં ટોળાંએ

સૂમસામ કરી નાખેલ જંગલમાંથી

હજી તો

પતંગિયાની પાંખ જેવા દિવસને પકડી પાડવો છે.

ને

તારી વસાહતોમાં

એની સામે ખટલો ચલાવવો છે મારે આખી રાત.

મારાં દૂધમલ ટેરવાંમાં પોઢી ગયેલ ઋતુઓને

હું કેમ કરીને જગાડી શકીશ તારા વિના?

સમયની સૂઝી ગયેલી આંખમાં

ત્યારે હું છળી નહીં મરું તારા વિના?

દરવાજાના કાંગરેકોંગરે થીજી ગયેલી સવાર

તડકો થઇને હવા પર વિસ્તરવા માંડશે

ને

બરફ થઈ ગયેલ

આપણા પરિચયનો ગાંગડો પીંગળવા માંડશે

ત્યારે

ટેબલ પરનાં ટપકટપક ભીંજાતાં રેખાચિત્રોને

હું કેવી રીતે ખસેડી શકીશ દૂર?

કાલે કાપેલી

યુકેલિપ્ટ્સની ડાળખીની ફાટુંફાટું જાંઘોનો ચિત્કાર

ઘર ખોલતાં

ઘરમાં ઢગલાઈ જશે

ત્યારે શું કરીને હું ભૂલી શકીશ

વિનાવી દીઘેલ રાતનો શોકછલ્યો અવસાદ?

ચાર દીવાલો વચ્ચે કણસતું

આપણા સંબંધનું પ્રેત

મને નહીં જંપવા દે કદાચ.

ને નહીં ઊંઘવા દે મને

તારા પ્રથમ પ્રેમપત્ર લખ્યાનો લાજુલ ધબકાર.

સંભાવનાનાં પતંગિયાંને

ક્યાં સુધી સાચવી રાખવાનાં

મારી સૂમસામ રાત્રિઓના પીળા પ્રકાશમાં?

દેવળમાંથી

પ્રાર્થનાઓના પાછા ફરવાની

મારે ક્યાં સુધી રાહ જોયા કરવાની?

મારા ગામમાં

મૌનની હબસી કન્યાઓએ

સાતમી

ને છેલ્લી વારની પીઠી

ટેટા જેવાં પાવલાંમાં ચોળવા માંડી છે.

ને હવે

શેરીઓમાં ઢોલનગારાં વાગ્યા કરે છે

આપણા આવનાર દિવસોનો ઉત્સાહ થઈને,

ત્યારે

તું બીજા નગરમાં કેમ ચાલી ગઈ છે?

સ્રોત

  • પુસ્તક : કેસરિયા ટશરનું આકાશ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : મધુકાન્ત કલ્પિત
  • પ્રકાશક : નવોદિત લેખક સહકારી પ્રકાશન
  • વર્ષ : 1979