vibhishan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લંકા તો

પહેલાં સોનાની હતી

પણ

એના પર

સુવર્ણનો આવો ગાઢ પ્રભાવ નહોતો.

રાત્રિનું હોય

તો દીવો પેટાવીને ભાંગું

અજ્ઞાનનું હોય

તો વાણી પ્રકટાવીને ભાંગું

પણ

કેમ કરીને ભાંગું

સુવર્ણનું વધતું જતું તમસ?

સોનાની લંકા

જુએ-સાંભળે

અડે-અનુભવે

સોચે-સમજે

તોલે-મૂલવે

પૂજે-ઉપાસે

કેવળ

સોનું, સોનું, સોનું,

સોનાની લંકાને

અલંકારોનું ઘેલું એવું

કે

સ્નેહ-સગપણ

ભક્તિ-સમર્પણ

પૌરુષ

બધુંય માત્ર દેહ પરનો શૃંગાર,

અને

ભીતર તો ખદબદતું નર્કાગાર!

ટોચ પર બધે સોનાના કળશ છે

પણ

તળિયે શું છે?

તળિયે છે

પોતાનાં ગાતરથી

સોનું ગાળનારો

ગળામણ ગણાતો વર્ગ,

અને એની અંદર પણ

ઠાંસી ઠાંસીને ભરાયો છે

સુવર્ણનગરી વિશેનો

મિથ્યા ગર્વ!

તે ઊજવે રાખે છે

રાવણના અહંકારને દ્વિગુણિત કરે

એવાં નિતનવાં પર્વ!

હું વિભીષણ,

જોઉં છું

લંકામાં પ્રસરતા કલંકકાળને

લંકાપતિની સભા

જેને વર્ણવે છે

પોતે સર્જેલો સુવર્ણયુગ.

સોનાની લંકામાં

મુગટના માપનું માથું બધાં રાખે,

રાખે સિંહાસનના કદની કાયા.

લંકાપતિની આસપાસ

સહુ કોઈ

જાણે

સોને મઢેલા એમના પડછાયા.

અતિની ગતિ શું હોય?

ને તો

હાથ-માથાં અને ઘમંડ,

અને એમાં

વીરતાથી જીતવાનો નહીં

કપટથી હરવાનો

દશાનનનો અહમ્.

કારણ શું?

બીજ તો મહાત્મા-તપસ્વી પિતાનું,

પણ માતા?

લોલુપ સત્તાકાંક્ષિણી

સિંચે કપટ-વેર અને વિષ.

પથદર્શક કોણ?

માયાવી મારિચ!

હું વિભીષણ,

લંકામાં રહેલી

લાજ-મર્યાદાનો અંતિમ અણુ,

પણ

મારો ધીમો અવાજ

સત્તાની આંખનું કણું,

નમું-વિનવું

વારું-સમજાવવું

કહું

મઢો ભલે સોનેથી લંકાને

પણ

પણ

ગળામણ જેવાં

તળિયે પડેલાં જીવન વિશે તો વિચારો,

લડો ભલે રણમેદાને

હણો શત્રુને,

પણ

શત્રુનું કશું કપટથી હરો નહીં,

અને એમાં તો

મર્યાદા-સ્વમાન

સ્વત્વ-સતીત્વ

તો હોય સહુનું સરખું,

દેવનું-દાનવનું

કે કોઈ નાના એવા માનવનું,

પણ

મારું સાંભળે કોણ?

સહુએ હોઠ પર નકૂચાની જેમ

ભીડી દીધા છે કાન

અને એના પર વસાઈ ગયાં છે

સોનેરી દૃષ્ટિનાં તાળાં.

વિકલ્પના દ્વાર બધાં બંધ

હું શું કરું?

વિદ્રોહના માર્ગે આગળ વધુ

કે

પોતાની નજરમાં નીચો પડું?

લાંછન તો બન્ને તરફ છે :

એક તરફ જાત

તો બીજી તરફ જગત છે,

રામાયણમાં

હારેલાં મારા મનની

અને

હરાયેલી નિર્દોષ સીતાની

કસોટી અત્યંત વિકટ છે.

રામ પાસે છે દેવત્વ

અને

બળકટ વનવાસીઓનું સૈન્ય,

તો રાવણ પાસે છે દેવોનાં વરદાન

અને રાક્ષસી બળ,

બંને વચ્ચે

પોતાના દુઃખની મુક્તિ માટે

આસ્થાની અસંતુલિત તુલા લઈ

મથ્યા કરે છે

ગળામણ ગણાતા વર્ગનું

અવઢવયુક્ત દૈન્ય!

હું

એકલો-અટૂલો વિભીષણ,

સ્થિતિ બદલવાનું સ્વપ્ન ત્યાગી

પોતાની સામે પોતાને બદલી રહ્યો છું

જેમ કોઈ દર્પણ સામે ત્યજે

એક પછી એક વસ્ત્રાલંકાર

અને

અંતે ઉતારે

પોતાના હાથે

પોતે ઘારણ કરેલાં મહોરાં.

કલંકિત છું

નતમસ્તક છું

ને અપરાધી પણ ખરો ખરો

કેમ કે મારું

ને રાવણનું લોહી એક

મહાત્મા-તપસ્વી પિતા

અને

લોલુપ સત્તાકાંક્ષિણી માતા પણ એક;

અને માતૃભૂમિ લંકા તો ખરી ખરી

જે કલંકના ભારથી પડી છે અધમરી.

હું વિભીષણ,

રત્તી ભર તો છોડી જુએ સુવર્ણ કોઈ?

પણ

છોડી રહ્યો છું આખેઆખી સુવર્ણનગરી,

અને એમાં રહ્યો કેવી રીતે?

સુવર્ણમાં

નિસ્પૃહતાથી નિમ્ન ધાતુ રહે એમ!

લંકા છોડતાં પહેલાં

રૂંવેરૂંવે વીંધાયો છું

રાવણે કરેલા ઉપહાસથી;

ચળાયો છું જાતના ચારણેથી,

ગળાયો છું ભીતરના અગ્નિથી,

ઘડાયો છું

ગળામણ ગણાતા વર્ગના ઘાત-પ્રતિઘાતથી

ને ભીંજાયો છું સીતાનાં અવિરત વહેલાં

અશ્રુપ્રપાતથી.

હા, હા, હા,

હું વિભીષણ,

જઈ તો રહ્યો છું

પવનવેગે લંકા છોડી આગળ અને આગળ

પણ

દોડતી-લપકતી જ્વાળા જેવી લંકા ધસી રહી છે

પાછળ... સામે શું છે?

કાળો સમુદ્ર

કે સુવર્ણનગરીનો ગળામણ ગણાતો વર્ગ?

અને એમાં

જે ઝળહળે છે તે શું છે?

રામની યુદ્ધશિબિર

કે

કાળા સમુદ્રમાં દેખાતું લંકાનું પ્રતિબિંબ?

(કવિલોક : સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૨૦૦૮)

સ્રોત

  • પુસ્તક : આ કૌરવ-પાંડવના સમયમાં (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સર્જક : પ્રવીણ પંડ્યા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014