
આ ભીની સાંજના સોગંદ ખાઈને
તને કહું છું, શિલ્પા! કે
મારી સાંજને વ્યાકુળ કરવાનો
તને કોઈ અધિકાર નથી
કિનારા પાસે આવીને
ચૂર ચૂરચૂર થઈ જતાં
વાદળિયાં મોજાંને તેં કદી જોયાં છે?
આથમતાં સૂર્યનાં પ્રતિબિમ્બોની નજર
એમાં નંદવાઈ ગઈ હોય છે.
બરફનાં ચોસલાં વચ્ચે ભીંસાયેલો સૂરજ
આગને તો ચસ્ ચસ્ ઓગાળી રહ્યો છે?
અને આવરોબ્હાવરો થઈને ઊતરતો અંધકાર
મારી ઉદાસીના ઘુમ્મટમાં પડઘાયા કરે છે.
હું મારી ઉદાસીને પ્યાલીમાં ઠાલવું છું ત્યારે
બેહોશીનાં આ મૃગજળની આસપાસ
વેરાન તપ્ત સહરા પથરાય છે.
રણનો કણકિયો પવન
ક્યારનોય તારાં પગલાં પીને
કોઈ અજાણ્યા ઊંટની ખૂંધે બેસીને
ભાગી નીકળ્યો છે :
ઊંટના ગાદી-પગલાંમાં દટાય છે મારા સાંજુકા સપનાના
હસ્તાક્ષર.
મારી સાંજમાં આ સળગતી બપ્પોર ક્યાંથી?
મને યાદ આવે છે એક બપોર :
ગુલમહોરી છાયા ઓઢીને ઊભેલી એ ઊનાળુ બપોરે
તેં મને આપ્યાં’તાં
સુગંધી કાગળોમાં બીડેલાં વાસંતી ગીત.
એ બધાં જ ગીતો
કોઈ અજાણ્યા ઊંટની કોથળીમાં તરસે મરી રહ્યાં છે.
મારે એ ગીતોને શોધવાં નથી
મારે એ ગીતોને રોધવાં નથી :
તારી સ્મૃતિના ઘેરાયેલા દરવાજાને
મારે એ ગીતોથી ઢંઢોળવા નથી
એ ગીતોના સૂર તને સંબોધવા નથી.
મારા ગત જન્મોની અંધાધૂંધ વેદનાઓની
ચિતાઓની સાક્ષીએ કહું છું
કે
તારા આ સાંપ્રત આનંદને હું સમજુ છું :
છતાં
તું તારાં એ ગીતો કાયમને માટે
ખુશીથી પાછાં લઈ લે
અને
મને મારી કુંવારી સાંજ પાછી આપ.
આ ભીની સાંજના સોગંદ ખાઈને
તને ફરી ફરી કહું છું, શલ્પા
મારી આ સાંજને વ્યાકુળ કરવાનો
તને
કોઈ
અધિકાર નથી.
[‘મોન્ટા–કૉલાજ’માંથી]



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ