jat sathe – - Free-verse | RekhtaGujarati

જાત સાથે –

jat sathe –

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
જાત સાથે –
મણિલાલ હ. પટેલ

બારીઓ બંધ કરી દીધી છે

પડદા પાડી દીધા છે

મારી આંખે કાળા ડાબલા ચઢાવી દીધા છે

ઘાણીનો બળદ અને એકાનો ઘોડો મારામાં પમાય છે..…

બારણું બંધ કરતાં દીકરો કહે છે :

‘તમારી સાથે રહી જુઓ હવે તમે એકલા...’

તારા વિહોણો અંધકાર જીરવાતો નથી

દિવાળીની દીપમાળાઓ કલ્પવી રહી

બેસતા શિયાળાની સાંજ બહાર ઢળું ઢળું થતી હશે

સામેના બગીચામાં વૃક્ષોની છાયાભાત એકલવાઈ -

ભીંજાઉં ભીંજાઉં હળુ હળુ હલચલતી પામું છું પથારીમાં

રસોડામાંથી મૂઠિયાં તળાવાની સુગંધ ઊઠી રહી છે

ઘીની સોડમ સાથે ઘર -ગામ -મા...? ના રે ના

દિવાનખંડમાં દીકરો ડિસ્કવરી ચેનલ પર

મેડિકલ સિરિયલ જુએ છે - ‘બધું બદલી શકાય છે -હૃદય

પણ…’

ઉપરના રૂમમાં -બીજો દીકરો-

‘હર તરફ હર જગહ બેસુમાર આદમી

ફિર ભી તન્હાઈયોં કા શિકાર આદમી’

ગઝલ સાંભળતાં સાંભળતાં

કમ્પ્યૂટર સાથે શતરંજ રમતો લાગે છે

ઉકળતા પાણીમાં નેપકીન નીચોવી -

મારાં અંગોને ઘસીને - લૂછી આપીને હમણાં

દીકરી પાછી સાસરે ગઈ છે - એનો પતિ બ્હારગામથી

આવવાનો છે - એની પૂંઠે પૂંઠે નીકળી ગયેલું મારું મન

મહીસાગર કાંઠેના મારા ખેતરમાં ચોળાની કૂંણી કૂંણી સીંગો

ચાવે છે; હમણાં ખોદાતી મગફળી -માટીની સુગંધ

મને હવામાં તરતી તરતી-

કહે છે કે : ‘જે પોતાની જાત સાથે એકલો રહી શકે છે તે-

સૌથી સુખી હોય છે દૂનિયામાઃ'

જો કે જાત સાથે રહેવું ઘણું મુશ્કેલ છે; નહીં?

કેમ, તમે શું કહો છો?

સ્રોત

  • પુસ્તક : વિચ્છેદ (ગ્રામચેતનાની કવિતાનો સંચય) (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2006