biijii january, 2024 - Free-verse | RekhtaGujarati

બીજી જાન્યુઆરી, ૨૦૨૪

biijii january, 2024

ઇંદુ જોશી ઇંદુ જોશી
બીજી જાન્યુઆરી, ૨૦૨૪
ઇંદુ જોશી

હોસ્ટેલમાંથી તું પાછો આવ્યો

ત્યારે

ઘરની બધી વસ્તુઓ પણ જાણે

પોતાની જગ્યા છોડી ફરવા માંડી ગમે ત્યાં

આખા ઘરમાં ક્યાંય પણ.

પરિચિતો મિત્રોની અવર

અને

આપણા ચારેય જણની ઘરમાંથી જવર

વારેવારે થવા માંડી.

મારા બધા પ્લાનિંગ રફે દફે.

ઘણીવાર અકળાતી પણ હું.

પણ તું તો પહેલેથી થોડો લુચ્ચો

ને બધાને પટાવી લેવામાં ઉસ્તાદ.

આપણી વચ્ચે દલીલો ને મસ્તી મજાક ચાલતા રહ્યા

ક્યારેક મા દીકરાની જેમ તો ક્યારેક દોસ્તોની જેમ.

દસ પંદર દિવસો તો આમ વહી ગયા....

જૂના વર્ષની જેમ.

તું ગઈકાલે ગયો હોસ્ટેલ પાછો.

ઘરમાં બધી વસ્તુઓને

ફરીથી પાછી ગોઠવાતાં,

જરાક સ્થિર થતાં

થોડી વાર તો લાગશે

મારી જેમ.

મેદાનમાંથી પાણી ઉલેચતો માણસ

ત્રણ હજાર માણસ આરામથી સમાઈ શકે

એવા વિશાળ મેદાનની એક તરફ

વર્તુળાકાર રીતે બંધાયેલું

શાળાનું મકાન અને

બીજી તરફ થોડે થોડે અંતરે

એક મોટો દરવાજો અને

બીજો નાનો દરવાજો.

ચોમાસાની તો ક્યાં વાત કરું

પણ ભરશિયાળે

જે માવઠું પડ્યું તેમાં

મેદાન પાણીપોચું થઈ ગયું.

મેદાનની જમીન ઊબડખાબડ હોય

અને હોય તો

શાળાના વિદ્યાર્થીઓના પગ નીચે રગદોળાઈને

તે થઈ જાય.

માવઠું થયું

તેમાં મેદાનની એક તરફ

પાણી શોષાઈ ગયેલું

ને બીજી તરફ

બે મોટા ખાબોચિયાં ભરાયાં.

આડ દિવસ હોત તો

કંઈ વાંધો હતો

પણ બીજે દિવસે રમતોત્સવ હોવાથી

આદેશ છૂટ્યો હશે કે

એક માણસને

પાણી ઊલેચવા માટે

મોકલવામાં આવે.

સવારે લગભગ આઠેક વાગ્યે

વર્ગમાં ભણાવતા

મારી નજર પડેલી.

માણસે

વાઈપરથી પાણી બીજી તરફ ખસેડવાનો

પ્રયત્ન કર્યો અને

થોડીવાર પછી એક ડોલ ને ડબલું લઈ

ઊભડક બેસી

પાણી ઊલેચવાનું શરૂ કર્યું.

હું કંઈ આખો દિવસ

જોવા ઊભી હતી

પણ વચ્ચે વચ્ચે

જેમ કે રીસેસ હોય ત્યારે

કે પછી

આમ નજર પડે ત્યારે

હું એને જોતી હતી

તો તે શાંતિથી અને ધીરજથી

પાણી ઊલેચતો દેખાય

અને ડોલ ભરાય

તો બીજી બાજુ ઊગેલા છોડમાં

પાણી નાખતો જણાય.

દિવસ પસાર થતો હતો

અને અમારે શાળા છૂટ્યા બાદ પણ

રમતોત્સવની તૈયારી માટે

રોકાવાનું હતું

બે વાગ્યા બાદ

ગરમાગરમ ઊપમા અને ચા મળી

તે બબડતા બબડતા

અમે પેટમાં પધરાવી

અને કામે લાગ્યા.

ફરી ક્યારેક મજાક-મસ્તી

કે ક્યારેક એકબીજાની ટીકા કરતા કરતા

કામ કરવા લાગ્યા.

પાંચ વાગ્યે છૂટવાનો સમય થયો

કે ભાગ્યા.

તે સમયે

અમસ્તી

મારી નજર મેદાનમાં ગઈ

તો પેલો માણસ

હજીય શાંતિથી

પેલા નાનકડા ડબલાથી

ડોલમાં પાણી રેડતો હતો

તે તરફ ગઈ.

ખાબોચિયાં ધીરે ધીરે

સુકાઈ રહ્યા હતા

અને હવે

બહુ થોડું પાણી

ઊલેચવાનું બાકી હતું.

મારી નજર

તે તરફ થોડીવાર સ્થિર થઈ

ને મારી ચાલ

થોડી ધીમી પડી ગઈ.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ