
આ વગડો અમારો બાપ છે
એના ખોળે અમે ઉછર્યા છીએ
એનાં ડુંગરે ડુંગરે અમારા ઉઘાડા પગનાં છાલાંનાં નિશાન છે
ને એની વેલીઓએ વ્હાલથી ભુસ્યાનો અનુભવ છે
એમાં નાચ્યાં છીએ મનમૂકીને
જાણે વગડો ખભે બેસાડી નચાડે એમ
મ્હાલ્યા છીએ મેળા
ને ઉજવ્યા છે પીઠોરા
એનાં ઝરણાંએ હેતનાં અમરત પાયાં છે
અમારાં ઢોર બકરાંને એ નધણીયાતાં રેવા દેતો નથી
એના ગુંજતા કલશોરમાં અમે ઝબોળી છે જાતને
ટહુકે ટહુકે પોષ્યા છે શ્વાસને
પછી બધોય ભાર ધોઈ નાખ્યો છે એના હેલકારે હેલકારે
એણે કદી ભૂખ્યા રાખ્યા નથી અમને
અમારી શોષ પાડતી તરસને બુઝાવી છે આવતામાં
ગીતો આપ્યા છે ગાવા
કથાઓ આપી છે કહેવા
આકાશ આપ્યું છે હોંકારો પાડવા
ને ધરતી આપી છે નિરાંતે સાવ ખુલ્લાપણું જાળવવા
એ દર વખતે સાવ નવો થઈને
અમને પાળે પોષે છે યુગોથી
આ વગડો અમારો બાપ છે ખરો બાપ
એનાથી વિખુટા પાડવાનું પાપ ન કરતા કોઈ
નહિતર, એણે જ આપ્યાં છે કામઠાં,ભાથા ને ભાલા
વગડે અમને જીવવા નિરાંત આપી છે
તો ઝઝૂમવા હિંમત પણ આપી છે
પેલા જુગજુના અડીખમ ડુંગર જેવી.
આખરે તો એ બાપ છે ને અમારો.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ