phugga - Free-verse | RekhtaGujarati

ફુગ્ગા

phugga

વર્ષા દાસ વર્ષા દાસ

પાંદડાં કહે છે અમે ખરીએ છીએ

નવાં માટે જગા કરવાને.

ડાળ કહે છે ના ના ખરશો.

લો, અમે ફેલાયાં

તમ સૌને બાથમાં લેવાને.

ફૂલ કહે છે અમે ઝરીએ છીએ

ધરતીને રંજિત કરવાને.

વાદળાં કહે છે ના ના ઝરશો.

લો, અમે વરસ્યાં

માટીને અંકુરિત કરવાને.

અને આપણે?

આદિમાનવની ઓલાદ,

અહંથી ફૂલેલા ફુગ્ગા.

ડાળ-પાનથીયે વામણાં

ને ફૂલ-વાદળથીયે ઊણાં.

અમરત્વના ભ્રમથી

ઊંચા કૂદકા મારીએ છીએ.

સૂરજને આંબવાને.

ફુગ્ગા ભૂલી ગયા છે

કે હવા અને રબરને છૂટા પાડવા માટે

બસ, કાંટાની એક એક અણી પૂરતી છે!

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 290)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007