pratiti - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રતીતિ

pratiti

પન્ના નાયક પન્ના નાયક
પ્રતીતિ
પન્ના નાયક

પ્રેમ કરતાં કરતાં

તને થયેલા પરસેવાને

કદાચ

મારા છેલ્લા શ્વાસ

પંખો નાખી રહ્યાની

તને પ્રતીતિ થશે

ત્યારે પણ

તું

મને હડસેલીને

સહજ ઊઠી

તારા શર્ટ કોટ ટાઇ

ને

ચકચકતા શૂઝ પહેરી,

ગાડીની ચાવી કાઢી

બંધ કરેલી બ્રીફકેઇસને

હાથમાં ઝુલાવતો ઝુલાવતો,

મારા અનાવરણ મૃત દેહ તરફ

આંખથી

એકેય હરફ ઉચ્ચાર્યા વિના

વર્ષોના સહવાસને

રાખમાં ઢબૂરી દઇ

વ્યવસ્થિત મનોદશામાં પ્રતિષ્ઠિત ગૃહસ્થી બની કંઈ બન્યું હોય એમ

સડસડાટ

દાદર ઊતરી જશે.....!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 396)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004