umeran - Free-verse | RekhtaGujarati

છેલ્લું નહીં અને પહેલ વહેલું પણ નહીં

ઉમેરણ છે

સતત ભીડ વચ્ચે ટુંપાઈ જતા આકાશ નીચે

વારંવાર કરેલા તને ચુંબનમાં

તારી ઘવાયેલી આંગળીને

પાટો બાંધી તને ભેટવામાં

ઝબકતી એલ. ઈ. ડી. નીચે

તને રંગ બદલતા જોવામાં

હવે તું આપણી વચ્ચેની સદીઓમાં

ગા

ચીસો પાડ

(અ)મને ધિક્કાર

કે સાવ વપરાયેલો પ્રેમનો અર્થ શોધ

(આ ક્રમમાં એમ નહીં)

પણ

તારા પ્રેમી(ઓ)ની એક સલાહ માન

તારા પરસેવાયા ગળાની ગંધને વહેતી મૂક

(અ)મને ગૂંગળાવ

અને લઈ જા ખૂટી જવાની હદ સુધી

અને પછી ઉમેર

તારા ઘવાયેલા હોઠનો અજાણ્યો સ્વાદ

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ