ene bhulwa - Free-verse | RekhtaGujarati

એને ભૂલવા

ene bhulwa

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
એને ભૂલવા
મણિલાલ દેસાઈ

જાનકીનો ત્યાગ કરતા રામના હૃદય પર

મેં મારા શબ્દોને બનાવ્યા છે ધારદાર.

રાત્રિને મેં એના કેશની સ્નિગ્ધતા

ચૂસી લેવા માટે લલચાવી છે.

પવનને એના અંગલાવણ્યની રેખા

ભૂંસી નાંખવાની રીત બતાવી છે.

તે વીજળીને એની આંખનો ચમકાર ટણકાવવા

વિનંતી કરી છે વારવાર.

એની યાદમાંથી પોતાની આગને ચૂસી લેવા

અગ્નિને મારા લોહીએ દીધું છે આહ્વાન.

સવારનાં પંખીઓને કહ્યું છે ભુલાવી દેવા

એના ભુવનમોહિની કંઠનું ગાન.

રાત્રે

મારા રોમરોમમાંથી મારી નસોમાં

ઊતરે છે અંધારું.

ને મારા કિલ્લાને કોરે છે રેશમી કીડો.

સળવળી ઊઠે છે જીભ, થાઉં અંધ.

મને માણસના મિષ્ટ માંસ કેરી આવે ગંધ.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2