tuteli khatlini is par - Free-verse | RekhtaGujarati

તૂટેલી ખાટલીની ઈસ પર

tuteli khatlini is par

હરીશ મંગલમ્ હરીશ મંગલમ્
તૂટેલી ખાટલીની ઈસ પર
હરીશ મંગલમ્

એમ તો

ભણી-ગણીને હોંશિયાર થ્યો છું, મા!

બાળપણાં મારા બન્ને ફૂલાઓ પરથી ફાટેલી ચડ્ડી

અને

પ્હેરણની બાંયના કૉલર પર જામેલ

હિંદસંસ્કૃતિમૅલ જોવા નહીં મળે, કદાચ!

સૂરજ ઊગતાં જ ઘરાકવટામાં મળતી છાશ

ઑલ્લું ભરીને, મા! તું અનુભવતી આખ્ખા દિ’ની

હળવાશ;

એમાં હતી અમારી ઊની લ્હાય હાશ.

એટલે જ–

વેઠ, છાશ, અસ્પૃશ્યતા, રોટલો :

અમારું ખાલીખમ્મ ભર્યું ભર્યું જીવન.

જેઠાભા પણ, સુઘરી જેવી જ સૂઝ ધરાવતા :

એમનું કીમિયાગર વણાટકામ

ને પછેડીના પોતની સોડ તાણી આખ્ખો મુલક ઊંઘતો

અને

અમારી ઊંઘ હરામ!

એ ભાથું ખોલું ત્યાં તો

સાળશાળનો હાથ ઉદાસ

ને રેંટિયાનું રૂંગું શીદ થાય બંધ.

એની ત્રાકે તલસે ટેરવાંનું સંવેદન.

છતાંય,

આખ્ખો મુલક બદલાઈ ગયો છે.

એ લોકો ઊલટ-સૂલટ

એ લોકો આઘા-પાછા

એ લોકો ડાબે-ડમણે

એ લોકો જમણે-ડાબે

એ લોકો ટેઢા-મેઢા થઈ ગ્યા છે, આ શ્હેરમાં

ને, ખુદથી રહે છે ખુદ કોટિ કોસ દૂર,

આજે ઊબકા આવે છે સતત...

ત્યારે

એક જબ્બરદસ્ત વાવાઝોડાની

અવસ્થા ફંગોળાય

એની પ્રતીક્ષામાં બેઠો છું યુગોથી

તૂટેલી ખાટલીની ઈસ પર...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2010