tun mari pase hoy chhe tyare - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તું મારી પાસે હોય છે ત્યારે

tun mari pase hoy chhe tyare

સાહિલ પરમાર સાહિલ પરમાર
તું મારી પાસે હોય છે ત્યારે
સાહિલ પરમાર

તું મારી પાસે હોય છે ત્યારે

મઘરાતના અંધકારમાં

માને ધાવવા વલખાં મારતા

બાળકની જેમ ફાંફે ચઢેલી

મારી આંખોને

સ્પર્શી જાય છે ભળભાંખળું

અને આછેરા અજવાસના ઘૂંટ

તૃપ્ત કરી દે છે

મારા સૂકાભઠ્ઠ કંઠને

તું મારી પાસે હોય છે ત્યારે

બળબળતા બપોરની દાહકતા વચાળે

ફૂટી નીકળે છે લીમડાનાં ઝુંડ

પડી ગયેલા પવનના ચહેરા પર

વહી આવે છે બોખી બાળકીનું હાસ્ય

અને રોડ ખોદતા મજૂર જેવું

થાકેલું મારું હૃદય

થઈ જાય છે સાવ હળવુંફૂલ

તું મારી પાસે હોય છે ત્યારે

ગોળગોળ ચગડોળ પરથી ઊતરેલા

બાળકના પગ જેવા લથડતા

મારા વિચારોને

પ્રાપ્ત થાય છે સ્થિરતા

અને હું મક્કમપણે

માંડી શકું છું પગલાં

આગળ અને આગળ

તું મારી પાસે હોય છે ત્યારે

સંકોચાયેલી ક્ષિતિજો

વિસ્તરતી જાય છે

એક પછી એક

અને ખૂલતી જાય છે

અનહદ સૌંદર્ય ભરેલી એક સૃષ્ટિ

જેના સર્વેસર્વા હોઈએ છીએ

આપણે - આપણા બિરાદરો આપણા લોકો.

તું મારી પાસે હોય છે ત્યારે

મારી ખોલી બની જાય છે

વિરાટ ભવન

અને મચ્છરોનો ગણગણાટ

રચી આપે છે અનેક તર્જ

જેની મીઠાશ

કોલ્હાપુરી ગોળના ગચિયા કરતાંય

વિશેષ હોય છે.

તું મારી પાસે હોય છે ત્યારે

ધુમાતા લાકડાને ફૂંક મારી મારીને

હાંફતાં મારાં ફેફસાંને

મળે છે નવી તાજી હવા

અને ધુમાડાથી બળતી આંખોમાંથી

નીકળતાં આંસુ

બની જાય છે

રાતરાણીનાં ફૂલ.

તું મારી પાસે હોય છે ત્યારે

બધું બન્યા કરે છે આમ

એટલે પ્રિય

ધસમસતા વીજચમકારાને

આભામાંથી પડી જતો બચાવવા

દોડી જતી ગર્જના જેવા

તારા સાહચર્યની

મને વિશેષ જરૂર હોય છે.

સ્રોત

  • પુસ્તક : મથામણ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : સાહિલ પરમાર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2004