tu itta kitta chhod - Free-verse | RekhtaGujarati

તું ઇટ્ટા કિટ્ટા છોડ

tu itta kitta chhod

રમેશ પારેખ રમેશ પારેખ
તું ઇટ્ટા કિટ્ટા છોડ
રમેશ પારેખ

અરે,

આમ નજરના ફેરવી લેવાથી

પાસેનું હોય તેને

થોડું પરાયું બનાવી શકાય છે?

એવું ખરું કે

હું ઘડીક હોઉં

ઘડીક યે હોઉં

૫ણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઈ બેસી જાઉં

કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું

કે નીંદરની જેમ ઊડીયે જાઉં...

હું કોઈ નક્કી નહીં હોઉં

તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઈશ

તું ચાલે તે રસ્તો હોઈશ

તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઈશ

ક્યારેક રીસે ભરાઉં તો

તું મને સાંભરે પણ હું તો તારી યાદમાં આવું

છબીમાં હોઉં પણ તારી સામે હસું.

ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઈ પત્ર બની

હું અચાનક જડું ને તને રડાવીય દઉં, હાં…

૫ણ અંતે તો સોનલ,

તું છે કેલિડોસ્કૉપ

અને હું છું તારું બદલાતું દૃશ્ય

આ૫ણે અરસપરસ છીએ.

નિડરતાનો કોઈ સવાલ ક્યાં રહે છે?

બસ, આપણે તો અરસપરસ છીએ

તારાં સ્તનનો ગૌર વળાંક હું છું

તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું

તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું

તારી સકળ સુંદરતા બની તને ભેટી પડ્યો છું

તારું સકળ સોનલપણું હું છું, લે...

અને તારે મારો ઇન્કાર કરવો છે?

પ્રયત્ન કરી જો.

દરિયા વચ્ચે બેસીને કોઈ દરિયાનો ઇનકાર કરે

તો દરિયો દરિયો મટી જાય છે?

તને હું બહુ કનડું છું, કેમ?

શું કરું?

પ્રેમ સિવાય મારા માટે બધ્ધું દુષ્કર છે–

તને ચાહું તો હું શું કરું?

આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ?

એક શરીરની બે આંખ છીએ?

મને તો ખબર પડતી નથી.

એક વાર તું કહેતી હતી કે

તું દરિયો છે ને હું તારું પાણી છું,

તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.

તું અને હુંના ટંટા પણ શા માટે?

અરે... રે.

તું સાવ બુધ્ધુ રહી.

આંખો મીંચીને રમીએ તેને સંતાકૂકડી કહેવાય

કંઈ 'જુદાઈ' કહેવાય.

ચાલ, ઇટ્ટાકિટ્ટા છોડ,

અને કહી દે કે, હું હારી…

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1977 (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ