તું આજે યાદ આવી ગઈ
tu aaje yaad aavi gai
કેતન ગાંધી
Ketan Gandhi
કેતન ગાંધી
Ketan Gandhi
તું આજે યાદ આવી ગઈ.
જાણે, વરસો પછી મુસાફરીમાં
કોઈ જૂનો મિત્ર મળી આવે –
અને/અથવા
પુસ્તકોની ધૂળ ખંખેરતાં
કોઈ કાચી ઉમ્મરની ચિઠ્ઠી મળી આવે –
કદાચ
વરસાદભીની–પીળાં વાદળોની
આ સાંજની હવામાં જ …. કંઈક હતું.
જેણે ઘડીભર મને વિવશ કરી મૂક્યો.
આંગણાની દીવાલ પર થાક ખાતો
પોપટ
લાંબી સફરે...ઊડી ચાલ્યો.
આ હવામાં જ કશુંક હતું
જેણે ઘડીભર મને ભરમાવી મૂક્યો.
બાકી તને જોયે તો….
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
