
(૧) વસંતમાં મનોવલ્લી
જેને કદીય ફળ બેસતાં નથી
એવી કોઈ વંધ્ય વેલ છે આમ તો, મારું મન;
પણ એને તમારે જોવું જ હોય તો વસંતમાં જોવું :
વસંતની કોઈ ઉર્વર ક્ષણે જ એને જોવાની મઝા;
જ્યારે એ ઇચ્છાફૂલોથી લચી પડી હોય છે,
કેવળ ઇચ્છાફૂલોથી;
જ્યારે મનની ડાળ-ડૂંખ એ બધાંને ઢાંકી દઈને,
ખરે, વૃક્ષની જ મૂળ આકૃતિને આખી ને આખી આચ્છાદિને
એ કેવળ ઇચ્છાફૂલોના રંગબેરંગી ગુચ્છેગુચ્છામાં
લચી પડી હોય છે, પવનના હિલ્લોળામાં તો
આખી જ લૂમઝૂમ...અરે ફલન સુધી ન જવાય તોય શું?
તને મારું આમંત્રણ છે,
આવી એકાદ ક્ષણે તમે જોવા તો પધારો; તમને ગમશે.
(૨) ઉપેક્ષાની પોષની ઠંડીમાં
ચોમેર ઉપેક્ષાની પોષની કડકડતી ઠંડીમાં, કડક દીવાલોમાં
ચણાતું આવે છે મારું ધડકતું હીરાકડિયાનું દિલ,
અરે, દીવાલો જોતજોતામાં તો ઊગી નીકળી છે
દર બે ધડકનો વચ્ચેય...
વિશ્વગતિના ઘડિયાળની ટકટક ધીમી ને ધીમી થતી આવે છે,
બ્રહ્માંડોના ગબડતા ગોલકોની ગતિય મંદાતી આવે છે.
એકાદી ક્ષણે એકાએક ખોટકાઈને ઊભો રહેશે ચરખો
આખો જ ઠપ...
આ વિરાટ પક્ષઘાતમાંથી બચાવે તો બચાવે
માત્ર તારો સમયસરનો આવેગપૂર્ણ પ્રેમ...
તારી પૃથ્વી આજે વસંત ઋતુમાં છે, એજ એક હવે ઉત્તેજના છે
મારે માટે...
આ શીત વળી ગયેલા મૃતપ્રાય અતિથિને આપ એક રાતવાસો;
આપ તારા આખા શરીરની હૂંફ, પેલી સોરઠી સતીની જેમ
જો એમ કરતાંય જીવી જવાય તો... આ બર્ફીલી પોષ રાતમાં
ને સૂરજ જેવું કશુંક ઊગે, કદાચ
ને થીજેલી ચંદ્રની નાડીઓમાં નવા ગરમ લોહીનો ખલકો આવે,
તું લગાડી દે તારું હૂંફાળ વક્ષઃસ્થળ મારી થીજેલી છાતી સાથે,
ચપોચપ...
દીવે દીવો પ્રગટે એમ મારી ધડકનો ચાલુ થઈ જાય કદાચ,
તારી ધડકનોમાં જોડી દે મારી ધડકનો,
ને મારી ધડકનોના દાંતામાં છે બ્રહ્માંડનાં ચક્રના દાંતા
ચપોચપ બંધ...
કદાચ ખોટકાઈ પડેલું વિશ્વતંત્ર પાછું એકાએક ઘરુર...કરતુંક ને
ચાલુ થઈ જાય, શું કહેવાય?
એનું શ્રેય કદાચ તારે જ નસીબે હોય... શું કહેવાય?
(૩) સ્વર્ગારોહણની અંતિમ ક્ષણે
તારા જીવનના સર્વજેતા રાજસૂય યજ્ઞ પછી
તું જ્યારે તારો હિમાળો ગળતી હોઈશ
(અને બધાંય સફળ-અસફળને વારે એક વાર તો
આ ક્ષણ આવે જ છે) ત્યારે સ્વર્ગારોહણના
છેલ્લા પડાવે અચાનક તારી ધર્મની આંગળી
ખ
રી
પ
ડ
શે
તારા હાથના પાંચામાંથી
ને
તું જોઈ રહીશ આ અડવી અડવી ચાર આંગળાની
હથેળીને,
અને તું પૂછી રહીશ યક્ષ જેવા મૂંગા આકાશને
જે તારા અંતરાત્માના ખૂણે ક્યાંક એરિયું થઈને
પડ્યું હશે,
ને તું કદાચ સાંભળીય શકીશ એની શ્રુતિ :
“એ જ એ આંગળી હતી જેને વળગ્યો હતો
એક અનાથનો આંગળિયાત પ્રેમ,
એ જ એ આંગળી હતી જે શહેરના મેળામાં છોડાવી દઈને
તું વળી ગઈ હતી કોઈ અજાણી ગલીમાં,
પેલાને ભરી ભીડમાં એકલો જ મૂકીને”
-ને તું જોઈ રહીશ એક આંગળી વગરના ચાર આંગળાના
અડવા અડવા પાંચાને, હિમાળાના તારા છેલ્લા પડાવે.



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ