thak - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હવે મને થાક લાગ્યો છે.

તમે માનશો? હું જન્મ્યો ત્યારે સત્તાવીસેકનો,

અરે કદાચ સિત્તેરનો હોઈશ!

મારો એક પુરાતત્ત્વવિદ્ મિત્ર કહે છે કે

મારા દાંત

હડપ્પા સંસ્કૃતિના મળી આવેલા અસ્થિપિંજરના

દાંતને મળતા આવે છે.

દ્વાપર યુગમાં પકડેલી ગદાના વજનથી

હજી મારો જમણો હાથ કળે છે.

ત્યાર પછી કાંઈ નહિ તો પચાસેક યુદ્ધોમાં

હું હણાયો હોઈશ.

ક્યાંક એકાદ ખાંભી પર

મારું નામ વાંચ્યાનું પણ મને સાંભરે છે.

એમ તો એક વાર કાયરતાનો માર્યો

ખેતરમાં ચાડિયો થઈને

ઊભો રહી ગયો હતો

તો ગોળીથી વીંધાઈ ગયો હતો!

હજી કોઈ વાર મારા શ્વાસમાં કોઈકને

પોટેસિયમ સાઇનાઇડની ગન્ધ આવે છે;

પ્રિયતમાને આલિંગન કરવા જતાં

મારા કાંડા પર ત્રોફાયેલી

પાંચ આંકડાની સંખ્યા પર નજર પડતાં

બિચારી છળી મરે છે!

તો જાણે હજી ગઈ કાલની વાત.

એમ તો મેં ઘણા પાઠ ભજવ્યા છે:

એક વાર ઘર છોડીને ભાગી ગયો

ત્યારે એમ હતું કે

ક્યાંક મારાથી થોડેક આગળ નીકળી ગયેલા

સિદ્ધાર્થનો ભેટો થઈ જશે,

પણ કોઈ મળ્યું નહિ!

મારી માએ પાડેલાં આંસુનું ઇન્દ્રધનુષ!

મેં ત્યારે પૂર્વાકાશમાં જોયું હતું ખરું!

સમજણ આવતાં વાર લાગી,

સમજણ આવી ત્યારે હું હસ્યો:

ઘર વગરનાં ઘર!

એમાં કોઈ વસે તોય શું! એને કોઈ છોડે તોય શું!

પણ કોઈક વાર તો મને લાગે છે કે

હજી હું અન્તરીક્ષમાં છું,

છત્રીદળ સાથે પેરેશ્યૂટ બાંધીને

નીચે ઊતરતો હતો,

પણ હજી નીચે ને નીચે ઊતર્યે જાઉં છું,

ધરતી ક્યાંક અલોપ થઈ ગઈ લાગે છે.

એમ તો જીવતે જીવ ઘણી વાર

ધરતી પગ નીચેથી સરી ગઈ હતી!

પણ તો મારી ગેરહાજરીમાં

પૃથ્વીનો પ્રલય થઈ ગયો છે કે શું?

પણ આવું તો કોઈક વાર લાગે છે.

બાકી તો બૂટ ઠપકારતો, મારાં પગલાંના

પડઘા ગણતો

હું સૂની શેરીઓમાં ઘણી વાર ચાલતો હોઉં છું.

એમ તો કોઈક વાર મેં મને નવસ્ત્રો

ધ્રૂજતો પણ જોયો છે

ત્યારે ભાંગવા આવેલા કોઈ સામ્રાજ્યના

ચીંથરેહાલ ધ્વજને શરીરે

લપેટીને માંડ બચી ગયો છું!

અનેક સાંધાવાળી

થાગડથીગડ નિદ્રા

તો કાંઈ આશ્વાસન નથી,

એના છિદ્રમાં થઈને કોઈક વાર એવું કશુંક

મારામાં પ્રવેશી જાય છે

જે મને મારાથી અજાણ્યો કરી મૂકે છે!

પછી હું મને શોધવાનો ઉદ્યમ માંડી બેસું છું.

ત્યારે મને મારી કશી એંધાણી મળતી નથી

થાય છે: આટલું જીવ્યો છતાં

ક્યાં મારું કશું ચિહ્ન કેમ નથી?

તો શું હું હતો

ઈશ્વરે કરેલી છેતરપિંડી?

ના, મારે ઈશ્વર સાથે યુદ્ધમાં ઊતરવું નથી;

હોવા હોવાની ફિલસૂફી ડહોળવી નથી.

હું તો સમયના કોટકિલ્લામાં છીંડું પાડીને

સમયની બહાર ભાગી છૂટવા ઇચ્છું છું.

પણ સમય મને દાઝી ગયેલી ચામડીની જેમ

ચોટી રહ્યો છે!

એમ તો કોઈ વાર જીવ્યો છું એક નિરુપદ્રવી

અદનો આદમી થઈને,

આજ્ઞાંકિત બનીને,

પુરાતા પાયાના ચણતરમાં પથ્થર પણ થઈ જોયું છે,

વૃક્ષનાં મૂળની જેમ અન્ધકાર અને ભેજમાં

ગૂંચવાતો પણ રહ્યો છું.

અર્ધી જિંદગી તો ખભે ચઢી બેઠેલાં

દેવદેવલાંને હેઠે ઉતારવામાં ગઈ છે.

એટલે તો કહું છું ને કે

હું ખૂબ થાકી ગયો છું.

કવિઓની શૂન્યની ભ્રામક કલ્પનાએ

મને છેતર્યો છે.

શૂન્ય તો કાચ જેવું બરડ છે.

એની બખોલમાં આરામથી પોઢી જવાશે

આશાએ

હું એમાં પેસવા ગયો હતો.

શૂન્યથી હું લોહીલુહાણ થયેલો

આદમી છું.

મરણ એટલે મોક્ષ

વાતમાં મને વિશ્વાસ નથી.

મરણ પછી સમય તો વળગેલો રહે છે

મેં મરેલાઓની આંખોમાં જોયું છે.

પછી ગણિત બદલાય છે, એટલું જ!

બધો પ્રપંચ ઊભો થયો

ઈશ્વરની ફોસલામણીથી, એની સાથે

જુગાર માંડી બેઠો તેથી.

મને તો હતું કે આવો ધરખમ ખેલાડી

આપણે તો જરૂર હારીશું,

હારવાને નિમિત્તે બધું પાછું વાળીને

છૂટી જઈશું!

પણ હું તો જીત્યે ગયો

પાંચ ઇન્દ્રિયો તો હતી,

બીજી વળગી દશ.

સૌથી પહેલાં તો હોડમાં મૂકી હતી આંખ

હતું કે આંખ જો હારું તો પછી બધું ભુંસાઈ જશે,

પછી હું નહિ રહું.

પણ ઈશ્વર ચતુર, મારી વાત પામી ગયો.

મારા મહેરબાન, હું તો એવો જીત્યો,

એવો સજ્જડ જીત્યો કે

ઊઘડી ગઈ એક સાથે હજાર આંખ!

આમ ઈશ્વરે તો ભારે અંચઈ કરી.

છેલ્લે મે હોડમાં મૂકી વાણી

ને મારું આવી બન્યું,

હું ફરીથી જીત્યો

પછી તો શબ્દો શબ્દો શબ્દો

ચારે બાજુથી મને ઘેરી વળ્યા શબ્દો.

ઈશ્વર તો હારીને મૂગો થઈ ગયો.

હું શબ્દોથી છૂટવા શબ્દોને ખંખેરું,

જોઈને અબુધ લોકો કહે,

‘આ તો કવિતા કરે છે!'

ઋગ્વેદમાં થઈને બૃહદારણ્યકમાં પેઠો,

ત્યાંથી નીકળ્યો તે ભગવદ્ગીતામાં અટવાયો.

પછી તો મેં કાંઈ વીંધ્યાં છે વન

પણ શબ્દો પાછળ સંતાવાનું તો બની શક્યું.

એટલે હું રહ્યો હુંનો હું!

થોડી વધુ ઉપાધિ, થોડાં વધુ વિશેષણો વળગ્યાં

તે નફામાં!

હવે બધું ઉપાડતાં થાક લાગ્યો છે.

હવે નથી રહેવું માણસ.

ના, કોઈ ઈશ્વર થવા લલચાવે તો

હવે હું ફસાવાનો નથી.

અણુમાંથી વિભુ

અને વિભુમાંથી અણુ થઈને

ફેંકાતો રહ્યો છું.

ખણ્ડેર થઈ ગયેલી જગતની રાજધાનીઓની

રજ ચોંટી છે મને,

પ્રલયોને હું શ્વસી ચૂક્યો છું.

હવે થાક લાગ્યો છે.

જોઈએ તો કાચીંડો થઈને કેળનાં પાનની

છાયામાં બેઠો રહીશ,

સરોવર નીચે નાનો શો કાંકરો થઈને

પડ્યો રહીશ,

હોલવાઈ ગયેલા દીપની ધૂમ્રરેખાની જેમ

વિખેરાઈને અદૃશ્ય થઈ જઈશ.

પણ હવે માણસ થવાનો થાક લાગ્યો છે.

મારી સાથે અટવાઈ અથડાઈને

થાકી ગયેલો મારો પડછાયો

તો ક્યારનો મારો સાથ છોડીને

ક્યાંક સરી ગયો છે.

મારે હવે ક્યાંક પગ વાળીને બેસવું છે.

બની શકે તો મારી હજાર આંખો બીડી દેવી છે.

મારી બધી ઇન્દ્રિયોને પાછી વાળી લેવી છે.

મારા વિસ્તરેલા બધા જન્મોને સંકેલી લેવા છે.

મારા અસંખ્ય શબ્દોને

એક ફૂંકે ઉરાડી દેવા છે.

મારે ક્ષણિક થઈને લય પામી જવું છે.

હું માણસ થઈને રહેવાના

ઉદ્યમથી થાકી ગયો છું,

થાકી ગયો છું.

હવે બસ.

સ્રોત

  • પુસ્તક : સુરેશ જોષીનું સાહિત્યવિશ્વઃ 4 (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : શિરીષ પંચાલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005