રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
થાક
thak
પ્રીતિ સેનગુપ્તા
Priti Sengupta
ચાલતાં ચાલતાં
ખૂબ દૂર નીકળી આવી છું.
કોઈ એક કિનારે
પહોંચી ગઈ છું
આ જમુના હોત તો કદાચ
વાંસળી સંભળાતી હોત.
ગંગા હોત તો કદાચ
એક પ્રદીપ પ્રજ્વલિત
વહેતો જતો હોત પ્રવાહમાં
સાબરમતીનો સૂકો પટ પણ હોત આ
તો સંભવ છે
હું ફરી ઘેર પહોંચી શકત.
પરંતુ હે નદી,
તું તો કોઈ અન્ય છે.
તું હડસન છે અથવા તો ઓહાયો છે,
અથવા મિસિસિપી કે કોલોરાડો છે.
પણ હવે તું જ છે મારી મા.
ઓળખ-જાણ મને,
હવે તું જ અહીં ક્યાંક વસાવી લે મને.
ઉપાડી લે મારો ભાર –
મારો બચેલો થોડો સામાન.
મારાં નાનાં નાનાં પોટલાં.
નહીં તો ડુબાડી જ દે બધુંયે.
થાકેલી થાકેલી છું ક્યારથી.
બસ, હવે ફક્ત
બચી જવા માગું છું.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : દલપત પઢિયાર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2013