Tara Vina - Free-verse | RekhtaGujarati

તારા વિના

Tara Vina

હરમાન હેસ હરમાન હેસ
તારા વિના
હરમાન હેસ

મારો તકિયો તમારા તરફ તાક્યા કરે છે રાતે

ખાલીખમ કબર–પથ્થરની જેમ;

મેં કદી કલ્પ્યું નહોતું કે આટલું કડવું હશે

એકલા રહેવું,

સૂઈ જવાનું નહીં તારી કેશઘટામાં.

હું પડ્યો છું એકલો નીરવ ઘરમાં,

ઝૂલતો દીવો ઝંખવાયેલો,

અને હળવેથી ખેંચું છું મારા હાથ

તારા હાથને મારા આશ્લેષમાં લેવા માટે

અને નજાકતથી મારા ઉષ્માળા મ્હોંને ચાંપું છું

તારા તરફ, અને હું ચૂમું છું મને, થાકેલો અને ક્ષીણ–

પછી અચાનક હું જાગી જાઉં છું.

અને મારી આસપાસ થીજી જાય છે ઠંડી રાત

બારીનો તારો ઝળકે છે સ્પષ્ટ–

ક્યાં છે તારા સોનેરી કેશ,

ક્યાં છે તારા મધુરા હોઠ?

હવે હું પ્રત્યેક આનંદમાં પીઉં છું વેદના

અને ઝેર પ્રત્યેક આસવમાં;

મેં કદી જાણ્યું નહોતું કે હશે આટલું કડવું

એકલા રહેવું,

સાવ એકલવાયા રહેવું તારા વિના.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ