Tame - Free-verse | RekhtaGujarati

બહુ સંવેદનશીલ છો

રાતરાણીની ગંધથી તંદ્રાવસ્થામાં સરી પડો છો

કેળાની છાલ પર સરકતી જિંદગી જોઈને

આંખે અંધારા આવે છે

રસ્તા પરના ટ્રાફિકમાં ગુસ્સો કાબૂમાં રહેતો નથી

કમ્પ્યૂટરના સ્ક્રીન પર આખું વિશ્વ ફરી વળો છો

હૃદયના ધબકારા વધી જાય

આંખો ગૂમ થઈ જાય

શરીરથી અલિપ્ત હાથ-પગ

મગજ થીજી જાય

મન પરોવાય મોતીમાં

પણ વિચારો મોતી બની શકતા નથી

બહુ વિચારશીલ છો

એટલે વાગોળ્યા કરો છો

છાપાં, પુસ્તકો, પ્રવચનો, પ્રદૂષણો

સાથે જાસૂદનો રંગ

પતંગિયાનું ઉડ્ડયન

મોસંબીની મીઠાશ.

તમારી કોમળ ત્વચા પર

ફોલ્લીઓ ફૂટી નીકળતી નથી

આશ્ચર્યજનક છે

તમે ખુદ મોતી છો

તમે તો તમે છો

સ્રોત

  • પુસ્તક : પરિભ્રમણ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : હર્ષદ દવે
  • પ્રકાશક : હર્ષદ દવે
  • વર્ષ : 2021