માયા એંજેલુ
Maya Angelou
તમારાં કડવાં અને હડહડતાં અસત્યોથી
તમે મને ઇતિહાસમાં કોતરશો
કે
તમારા પગ નીચેના કચરામાં કચડશો
તોય
રજકણની જેમ હું તો ઊભી થઈશ.
તમને મારું છેલબટાઉપણું અકળાવે છેને?
તમે કેમ વિષાદથી ઘેરાયેલા છો?
મારા દીવાનખાનામાં જ
જાણે તેલના કૂવાઓના પંપ હોય એમ
વર્તું છું એટલે?
સૂર્યની જેમ, ચંદ્રની જેમ,
ભરતીની નિશ્ચિતતાથી,
આકાશે અડતી આશાઓની જેમ
હુંય ઊંચે જઈશ.
હું ભાંગી પડું એ જ તમારે જોવું હતું?
નતમસ્તક, નીચી આંખો?
હૃદયફાટ રૂદનથી નબળા પડેલા
ખરતાં આંસુ જેવા ખભા?
મારો ફાટેલો મિજાજ તમને અપમાને છેને?
મારા ઘર પાછળના વાડામાં જ
સોનાની ખાણ ખોદાતી હોય એમ
હું હસું છું
એ તમારાથી સહન નથી થતુંને?
તમે તમારા શબ્દોથી મારા પર ગોળી ચલાવી શકો છો
તમે તમારી આંખોથી મને આરપાર વીંધી શકો છો
તમે તમારા ધિક્કારથી મારી હત્યા કરી શકો છો
અને છતાંય
અવકાશની જેમ
હું સઘળે પ્રસરીશ.
મારી જાતીયતા તમને વિહ્વળ કરે છેને?
મારી જાંઘોના મિલન પર હીરા ટાંગ્યા હોય એમ
હું નાચું છું
એનું તમને આશ્ચર્ય છેને?
ઇતિહાસની લજ્જાની ઝૂંપડપટ્ટીમાંથી
હું ઊગું છું.
હું ઊગું છું.
એવા ભૂતકાળમાંથી જેનાં મૂળ
રોપાયાં હતાં નર્યાં દુઃખમાં.
હું ફાળ ભરતો, પહોળો, કાળો દરિયો છું.
ત્રાસ અને ભયની સીમા ઓળંગી
હું પ્રવેશું છું
અદ્ભુત સ્વચ્છ પરોઢમાં
હું લાવું છું
મારા પૂર્વજોએ આપેલી બક્ષિસ.
હું છું ગુલામોનું સ્વપ્ન, ગુલામોની આશા.
હું ઊગું છું
હું ઊડું છું.
હું પ્રસરું છું.
(અનુ. પન્ના નાયક)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 118)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
