tamakuDini talap - Free-verse | RekhtaGujarati

તમાકુડીની તલપ

tamakuDini talap

પવનકુમાર જૈન પવનકુમાર જૈન
તમાકુડીની તલપ
પવનકુમાર જૈન

મારા રોમરોમને વળગતી,

ભેંકડા તાણતી,

જટિયાં પીંખતી, પગ પછાડતી,

આ તમાકુડી કકળે છે.

કરગરે છે : મને તેડી લો,

હૈયાસરસી ચાંપી લો,

વહાલ કરો.

પાંત્રીસ વરસ પહેલાં,

આ ટગર ટગર જોતી,

ભોળીભટાક લાગતી

તમાકુડીને ઊંચકી ચૂમી

લીધી હતી.

ખોળામાંથી ઊતરી જ નહીં.

લાડ લડાવ્યાં એટલી

વધુ લાડકી થઈ.

હવે, મારાં આ ખોખાં-ફેફસાં,

પાંસળાં, અને ચચરતું ગળું.

ખોં, ખોં, ખોં ને ખોં જ ખોં.

બસ, ગમેતેમ કરી ઉતારી

તમાકુડીને નીચે, પટકી ભોંયે,

કહું છું : વંતરી, જા, વળગ

જેને વળગવું હોય એને.

ખોં, ખોં, ખોં..

કંઈ ન સાંભળતી,

વહાલ માટે વલખતી

નિત્યશિશુ તમાકુડી મારા

રોમરોમને વળગી કરગરતી રહે છે.

એને કઈ રીતે તેડી લઉં?

શીદને વહાલ કરું વેરણને?

ખોં, ખોં, ખોં.

સ્રોત

  • પુસ્તક : ૬૫ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : પવનકુમાર જૈન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2012