tal kawyo manthi - Free-verse | RekhtaGujarati

તાલ-કાવ્યો-માંથી

tal kawyo manthi

જયદેવ શુક્લ જયદેવ શુક્લ
તાલ-કાવ્યો-માંથી
જયદેવ શુક્લ

(તાલ-કાવ્યો ૧)

તાલ

ચાલ ચાલે છે

ચાલ્યા કરે છે લોહીમાં

નગારાની ઢામ્ ધડામ્ ઢામ્ ઢામ્ તડામ્

મૃદંગના ધાધા દિંતા કિટધા દિંતા

તબલાંની ધાગે તિરકિટ ધિનગિન ધાગે તિરકિટ ધિનગિન-ની ચાલથી

રંગાતો રહું

મદમાતો રહું

મદમાતો ફરું...

તિરકિટ ધા તિરકિટ ધા તિરકિટ ધા-ની તિહાઈ પર

લોહીનાં ઝરણાં

વળાંકે વળાંકે

તોરમાં તૉરિલા...

મન્દિર ને સીમ

નૃત્ય ને ગાન

સમ પર

ભીંજાતો રહું

કિટધાતો ફરું...

ક્યારેક ઝપતાલ

ક્યારેક ધ્રુપદ-ધમાર

તો વળી ક્યારેક કહરવાનું ધાગેનતી નકધીં

સતત સતત બજ્યા કરે છે

સસલાની જેમ પાંસળીઓમાં

મધુર મધુર કૂદ્યા કરે છે

પાંસળીઓનાં પોલાણોમાં.... ધાગેનતી નકધીં

ધાગેનતી નકધીં

ત્યારે

હું, હું નથી હોતો જાણો છો?

દિવસે,

અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને

રાત્રિએ

ઝપતાલના ઠાઠમાં

મ્હેકતો પસાર થતો

જોયો છે કદી?

ધીંના ધીંધીંના તીંના ધીંધીંના

વર્ષાની

આછી ઝરમરમાં

બન્ધ બાજના તિરકિટના ‘રેલા'

સુણ્યા છે કદી?

તબલાં સાંભળતાં

ટેરવે ટેરવે ઘર કરે

રવ કરે

રવ રવે.

ધેટ ધેટ તેટ તેટના તોખાર...

શિરાએ શિરાએ બેઠેલી નાગણો

મૃદંગના કિટતક ગદીગન ધા તત્ ધા કિટતક ગદીગન ધા તત્ ધા

સાંભળતાં

રાનેરી લયથી નાચે છે...

ક્યારેક વર્ષો પર્યન્ત

સમ પર અવાતું નથી.

ધાધા તિરકિટ-ના ધાન ધેકેટ-ના

કાયદા પરન ને બોલ આવર્તાયા કરે છે

આવર્તાયા કરે છે...

હું અધ્ધર શ્વાસે

રૂપક તાલના ખાલી પર સમ જેવી

કોઈ ઘટનાની

પ્રતીક્ષા કરું છું...

(સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ)

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015