samay - Free-verse | RekhtaGujarati

સમય

સડક પર પડેલા પથ્થર પર ચોંટેલી ધૂળ નથી,

કદાચ તડકો હશે.

સમય

વૃદ્ધનાં હાડકાંમાં જામી ગયેલું જાડ્ય નથી,

કદાચ મૌન હશે.

સમય

હંમેશાં ચાલતાદોડતા રથનું પૈડું નથી,

કદાચ અશ્વ હશે.

સમય

સૂરજને કે ચન્દ્રને ડુબાવવાની ભરતી નથી,

કદાચ દરિયો હશે.

સમય

અવાવરુ કૂવાનાં લીલ ઝુલાવતાં પાણી પર સૂતેલું અંધારું નથી,

કદાચ કૂવો હશે.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2