સ્વીચ ઑફ થતાં
                                Switch Off Thata
                                    
                                        
                                             યૉસેફ મેકવાન
                                            Yoseph Macwan
                                            યૉસેફ મેકવાન
                                            Yoseph Macwan
                                        
                                    
                                
                            
                         યૉસેફ મેકવાન
                                            Yoseph Macwan
                                            યૉસેફ મેકવાન
                                            Yoseph Macwan
                                        સ્વીચ ઑફ થાય
ઓરડામાં અંધકારનું રીંછ
બારીમાંથી ધસી આવી ભરાય,
ત્યારે
મારી બે કાળવી કીકીનાં પતંગિયાં
એ જ માર્ગે
ઊડી જાય દૂર... દૂર...
પ્રિયે-
તારાં શ્યામલ મસૃણ કેશરાશિમાંથી
સુગંધની જીહ્વા
હળુ હળુ ચાટે છે મારા રક્તને-
મારા ચિત્તમાં ઝૂલી જાય લાલ લાલ કેસૂડાં!
એ તગતગે એવાં
જાણે પેલા રીંછનું રક્તડાઘ્યું મોં!
એમાંથી કઈ રીતે બચાવું હું તને?
એમાંથી કઈ રીતે બચાવું હું મને?
તું અને હું તો
અગ્નિથી અલગ પડેલી ફડફડતી જ્વાળાઓ છીએ.
ક્યાં જવું?
ક્યાં ટકવું?
એની દિશા મળે એ પ્હેલા તો
હું અને તું મૃત્યુ પામીએ છીએ
સ્વીચ ઑફ થતાં-
 
                                         
                                         
                                    સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 118)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
 
        