wasana - Free-verse | RekhtaGujarati

એવું શું કરી શકાય

કે છાપાની કૉલમમાં આપણું નામ છપાય!

અકસ્માત?

છટ્–જાહેર રસ્તા પર એવું છૂંદાઈ જવું કોણ પસંદ કરે?

એમાં વળી જો પાકીટ ઊપડી ગયું તો લખશે :

‘લાશ નધણિયાતી હતી’!

ચોરી? તો સાલું સળિયાની પાછળ વરસો સુધી ગોંધાઈ રહેવું પડે!

ખૂન કરીએ? તો આપણું નામ એક દિવસ માટે દોરડે લટકે!

‘Tik 20’ પીવાના નિષ્ફળ પ્રયત્ન કેટલી વાર કરી શકાય?

અને પડોશીની વિધવાને શહેરની બહાર ભગાડી તો જઈ શકાય–

પણ કેટલી વાર?

પરદેશ જઈએ તે એક વાર

પાછા આવીએ તે બીજી વાર! બસ?

મૃત્યુની નોંધ જીવનમાં છપાય એક વાર,

ને પછી પુણ્યતિથિએ સ્વજનો ફોટા સાથે યાદ કરે

બહુ બહુ તો બેત્રણ વરસ.

પણ આપણને તો વાંચવા પણ મળે!

Timesના ટાઇપ નાના, આપણું નામ જડે પણ નહીં,

Local છાપાંઓનું એક સુખ!

ટાઇપ મોટા ને ફોટા પણ છાપે!

પણ

વહેલી સવારનું છાપું દસ વાગે તો વાસી પણ થઈ જાય!

એવું શું કરીએ

કે રોજ સવારે છાપામાં આપણું નામ નેતાઓની જેમ

ઝગમગ ઝગમગ ચળક્યા કરે?!

સ્રોત

  • પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ
  • વર્ષ : 1980