યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
આમ તો
એ સાવ નાનકડું ફ્લૅગ-સ્ટેશન
મારા ગામથી
પૂર્વ તરફ જતાં રસ્તામાં આવે.
જંગલ પૂરું થાય
અને તરત જ આવતું
નાનકડું ફ્લૅગ-સ્ટેશન.
પ્લૅટફૉર્મથી
થોડે દૂર
જાળીવાળી દીવાલને અડીને
એક બાંકડો,
લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો.
મેં
ચાલતી ટ્રેનમાંથી
અનેક વખત
જોયો છે એ બાંકડો.
ઘણી વખત
સપનામાં પણ આવતો
નાનકડા ફ્લૅગ-સ્ટેશન પરનો
લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો!
એ બાંકડો.
સ્ટેશન થીજી ગયેલું,
પાટાઓ ઓગળીને ગાયબ!
બધાં જ સંદર્ભો, અક્ષાંશ-રેખાંશ,
નિશાન-નકશાથી વિખૂટો પડી ગયેલો
–અફાટ મહાસાગરમાં
સાવ એકલા ટાપુ જેવો-
માત્ર એક બાંકડો,
લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો.
મારે ઊતરી પડવું છે અહીં
બારીના સળિયા હચમચાવું છું
પ્લૅટફૉર્મ પરના માણસને બૂમ પાડું છું
પગ પછાડું છું.
ટ્રેન ઊભી રહેતી નથી.
આ પ્લૅટફૉર્મ પર ઊતરી,
બસ એક વખત
પેલા બાંકડા પર બેસવું છે મારે.
ઊંડા ઊંડા શ્વાસ ભરી નિરાંત લેવી છે.
મલયાનિલની હળવી લ્હેરખી વાય
અને
ઉપરથી એક લવંડરિયું ફૂલ
ટ...પ… દઈને મારા પર પડે.
બસ એટલું જ
એટલું જ સુખ!
સ્રોત
- પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 58)
- સર્જક : યોગેશ વૈદ્ય
- પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
- વર્ષ : 2023
