
આ ઘર મારું છે
મેં તને સ્પર્શ કર્યો છે
તને ચુંબન કર્યાં છે
તને સૂંઘી અને માણી છે
એટલે હું તને અહીં રાખું છું.
આ ઘર આરસની ફરસબંધી ને
રાચરચીલાથી સજાવેલું છે;
ઉપર છાપરું છે.
બાજુઓ પર દીવાલો છે.
બાજુમાં રસોડું છે
અને ત્યાં દીવાનખાનું છે.
તું મારે માટે રાંધે છે
અને મારી તરફથી બે ટંક ખાવાનું મેળવે છે.
આ ઘરમાં રમતિયાળ બાળકો છે
તે મારા લોહીમાંથી જન્મેલાં છે
તેઓ મારી મિલકત વાપરશે
મારું નામ પવિત્ર કરશે
અને વંશવેલો ટકાવી રાખશે;
મારા આત્માની શાંતિ કરીને
તેઓ મને ખોરાક પૂરો પાડશે
આ દુનિયામાં નહીં, તો પરલોકમાં.
તેં મારાં બાળકોને ઉછેર્યાં છે
તેથી તું પરિણીત સ્ત્રીનો દરજ્જો ભોગવે છે.
જો હું પિતા તરીકેનો મારો દાવો પાછો ખેંચી લઉં
તો તું માતા તરીકેનો દરજ્જો ગુમાવે.
તું મારી છે
પૂરેપૂરી અને ખરેખર તું મારી છે
તારું જે કાંઈ છે તેની પર હું માલિકી ધરાવું છું
ઠીક,
મારી વાત જુદી છે
કારણ કે હું તારો પતિ છું.
(અનુ. જયા મહેતા)



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ