sparsh na karo am asprishyone - Free-verse | RekhtaGujarati

સ્પર્શ ન કરો અમ અસ્પૃશ્યોને

sparsh na karo am asprishyone

પ્રવીણ ગઢવી પ્રવીણ ગઢવી
સ્પર્શ ન કરો અમ અસ્પૃશ્યોને
પ્રવીણ ગઢવી

દૂર રહો.

સ્પર્શ કરો અમ અસ્પૃશ્યોને.

ભલે અસ્પૃશ્ય રહેતાં અમારી કન્યાઓનાં કૌમાર્ય

તમારી હિંસ્ર વાસનાઓથી.

સ્પર્શ કરો અમ અસ્પૃશ્યોને.

ભલે અસ્પૃશ્ય રહેતી અમારા પિતાઓની તગતગતી પીઠો,

તમારા ક્રૂર ચાબુકોથી

દૂર રાખો તમારા લોહીથી ખરડાયેલા હાથ

અમારા જાર-બાજરીના રોટલાઓથી

હત્યારાઓ સાથે સહભોજન કરવું એટલે

પોતાનાં શિશુઓનાં કલેજાંની વાનગીઓ આરોગવી.

ભલે અસ્પૃશ્ય રહેતા

મારાં ખેતરોના ઊભા લચકતા મોલ

તમ લૂંટારાઓથી.

ભલે અસ્પૃશ્ય રહેતાં અમારાં ગામ,

સર્વનાશની તમે પેટાવેલી અગ્નિજ્વાળાઓથી.

સદીઓથી તમે સ્પર્શ્યા નથી,

અમારા સૂર્યના આત્મા જેવા શ્યામ વર્ણને

હવે સ્પર્શવાની કશી જરૂર નથી.

અમને સ્પર્શશે

મધ્યાહ્નના સૂર્યનો ઉજ્જ્વળ પ્રકાશ.....

ખેતરની માટી....

અને નદીનું વહેતું....

દૂર, રહો,

સ્પર્શ કરો અમ અસ્પૃશ્યોને.