soydoro - Free-verse | RekhtaGujarati

સોય છે તો દોરો છે

અને

દોરો છે તો સોય છે

એવું નહીં.

બંને એક છે, અભિન્ન

સોયદોરો.

000

સોયથી

હંમેશા દોરવાતો ચાલે છે

દોરો.

ક્યારેય

સોય પાછળ હોય

અને દોરો આગળ

એવું બનતું નથી.

000

સોય હોય છે નાજુક,નમણી,ચળકતી

પણ નક્કર.

દોરો પણ હોય છે નાજુક,નમણો,

ને વળી રંગબેરંગી

પણ નક્કર નહીં,કાચો

ક્યારે તૂટી જાય,ખબર પડે.

000

આમ તો સોય

સાવ મામૂલી,તુચ્છ,

એની કાંઈ કિંમત નહીં.

પણ એકવાર

સોયમાં દોરો પરોવાઈ જાય

પછી

સર્જાય છે ચમત્કાર

વેરવિખેર કાપડના તાકાઓ

ફેરવાઈ જાય છે વસ્ત્રમાં.

ઢાંકે છે સમગ્રને,સમસ્તને

000

સોય શીખવે છેઃ

સંધાવા માટે વીંધાવું પડે છે આરપાર.

દોરો શીખવે છેઃ

સાંધવા માટે

પરોવાવું પડે છે આરપાર.

000

સોય દોરા વિના વીંધી શકે

પણ સાંધી શકે.

દોરો સોય વિના બાંધી શકે

પણ સાંધી શકે.

000

સોય આમંત્રે છે દોરાને

પોતામાં પરોવાઈ જવા માટે

પછી કાળો હોય કે ધોળો

લાલ, લીલો કે આસમાની

કે પછી પીળો, ગુલાબી, નારંગી.....

કોઈને ના પાડતી નથી.

જો કે

એક સોયમાં

પરોવાઈ શકે છે

એક દોરો

એકથી વધારે ક્યારેય નહીં.

000

દોરો છે મારી પાસે

દોરાઓના ગુચ્છેગુચ્છ છે

પણ

સોય ક્યાં?

000

જો તું પરોવાઈ શકે

મારી અંદર દોરાની જેમ

તો હું

કેવી રીતે સાંધીશ

ફાટી ગયેલા આભને?

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.