wagolan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(અછાદંસ)

એકઢાળિયામાં તે દી મળ્યા’તાં, સાંભરતું તો હશે,

એકઢાળિયામાં તે દી ઢળ્યા’તાં સાંભરતું તો હશે.

ઓલી ગમાણ, કડબ દેખાડી હસતી’તી.

ટોપલો મોં ફાડીને જોતો’તો,

ખીલા સાવ સડક થઈ ઊભા’તા,

ને શરમથી વળખાઈ રાંઢવું ખૂણે પડ્યું’તું.

તે દી ડીલે ચોટ્યુંતું કુંવળ,

આજ સૂરજ કિરણ થઈ પાંગરતું તો હશે....

સોળેપનો ઘૂમટો તાણી ભીંત ઊભી’તી,

ચાકળા ઉપરના મોર ગ્હેંકતા’તા.

ત્યાં ઓચિંતું એક વાછરુ ભાંભર્યું,

ને ખેતર-પાળની ધજા જેમ ધ્રૂજી

આપણે અળગાં થયાં,

વાછરુંય આજ ગાય હશે.

એનુંય વાછરું આજ ભાંભરતું તો હશે....

એકઢાળિયામાં તે દી મળ્યા’તાં સાંભરતું તો હશે.

સ્રોત

  • પુસ્તક : કુંવળનો અંજવાસ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : ભાસ્કર ભટ્ટ
  • પ્રકાશક : શ્રીમતી પૂર્ણિમા બી. ભટ્ટ
  • વર્ષ : 1983