ketlanye warshothi matr unghun chhun - Free-verse | RekhtaGujarati

કેટલાંયે વર્ષોથી માત્ર ઊંઘું છું

ketlanye warshothi matr unghun chhun

નીતિન મહેતા નીતિન મહેતા
કેટલાંયે વર્ષોથી માત્ર ઊંઘું છું
નીતિન મહેતા

કેટલાંયે વર્ષોથી માત્ર ઊંઘું છું

કદાચ મરી ગયો હોઈશ

યાદ નથી

સમય દરમિયાન ગેરહાજર

પણ હોઉં

વૃક્ષોનું ઋતુઋતુનાં ફળને

પાનખર આવે

નદીનાં ડહોળાયેલાં રંગીન પાણી

વરસાદે ભૂંસેલી કેડીઓ

માટીના ચૂલા થયેલી નગરની શેરીઓ

નકશાઓની બદલાયેલી ડિઝાઇન

લાલલીલીશ્વેત ક્રાન્તિઓ

મીના આઈ લવ યુ ને

દિલ માગે મોરની કળાઓ

સંસ્કૃતિનાં બજારો

રંગરોગાન કરેલી ઉધારીઓ

મશીનગનથી વીંધાતી ભાષા

બસ બસ દરદી લવરીએ ચડ્યો છે

ડૉક્ટર એને હાથેપગેમોંએ આંખે

પાટા બાંધો

નહીં તો વકરશે

સ્મૃતિવિસ્મૃતિની જાળમાં

કેટકેટલું રચાયું વિખરાયું તરડાયું તરફડ્યું

સંભવ છે શંકા ને અનિષ્ટોથી

ઘેરાયેલા મને ધૂંધળું જોયું હોય

જોયું જોયું કર્યું હો

ઊંઘમાં પડખું બદલતાં

આવેલું એક

સપનું હોય

દોડતી ટ્રેન

ફરતો રોલ

માઉસ પર થરકતી આંગળીઓ

ને સ્ક્રીન પર પ્રવાસો

ધુમાડિયાં તરસ્યાં વૃક્ષો પર

આથમતું આકાશ

ઊંઘમાં જાગતાં

પાણીમાં કોતરેલાં અક્ષરો

ઉકેલવા જાઉં

ને ફૂંકાતા પવન જોડે

ક્યાંયે ઊડી જાઉં

પલળેલા કાગળની બારાખડી

ભૂરાકાળા રેલા થઈ

ચામડી પર ચોંટી રહે

જાગું ત્યારે હુંયે હોઉં

ને જગત પણ હોય.

કપાળ પરની કરચલીઓમાં

દરિયો માત્ર ઉછળે

ને હથેળીમાં માગશરના

કૃષ્ણપક્ષની તેરસની સવારનો

ચંદ્ર

કેટલાય ખરેલા તારાઓ વચ્ચે

હોડીની જેમ તરે

બસ હવે તો ફકત

ખુલ્લી આંખની ભીનાશમાં

ફરફરતી ધજામાં ચીરાતો સૂર્ય

ડૉક્ટર ડૉક્ટર દરદીનું શરીર

ઠંડું પડતું જાય છે

કંઈક કરો

કંઈક કરો.

સ્રોત

  • પુસ્તક : પરસ્પર (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, રાજેન્દ્ર પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2004