gharajhurapo 2 - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘરઝુરાપો - 2

gharajhurapo 2

બાબુ સુથાર બાબુ સુથાર
ઘરઝુરાપો - 2
બાબુ સુથાર

કોણ જાણે આવું કેમ થાય છે?

પડો ફૂટેલી ભોંયમાં પગનો અંગૂઠો બૂડે

એમ આખું ડીલ બૂડી રહ્યું છે કશાકમાં

કેફ ચડે

એમ

ગામ આખું સ્મૃતિએ ચડ્યું છેઃ

ગોધૂલિવેળા થઈ છે,

ગાયો આંચળને ઘૂઘરીની જેમ

લણકાવતી આવી રહી છે,

જોડે મોહનકાકાની ભેંસને પાડી ધાવી રહી છે,

એના બચ બચ અવાજમાં ગંગાનદી

એની દૂંટીમાં જાતરાળુઓ મૂકી ગયેલા

મેલ ધોઈ રહી છે.

ફળિયાની વચોવચ નિર્વસ્ત્ર બનીને

નાહી રહી છે ચકલીઓ,

એમને જોઈને મણિમાસી કહે છેઃ

પડાળ પરથી ડોડા ઉતારવા પડશે,

માવઠું સીમને ડેલે સાંકળ ખખડાવી રહ્યું છે.

કૂવામાં ધબ દઈને પછડાતા ઘડા

પાણી સાથે અફવાઓની આપલે કરી રહ્યા છે,

નહિ તો પાણીને ક્યાંથી ખબર હોય

કે મંછીને આજકાલ મણિયા સાથે બનતું નથી

અને જોડેના ગામમાં આંબા પર બેસે એમ

ઠાઠડી પર મૉર ફૂટી નીકળ્યો હતો.

દૂર દૂર રાવણહથ્થાના તારે તારે

ભાઈબહેન મોસાળે જઈ રહ્યાં છે.

સ્મૃતિએ ચડેલું ગામ

અને

આથમણે ઊગેલી શુક્રની તારલી

એકાએક

મારી જીભને ટેરવે

રમવા માંડે છે.

અડકોદડકો

દહીં દડૂકો.

બાએ હમણાં દાળમાં વધાર કર્યો લાગે છે,

નહિ તો આખું ફિલાડેલ્ફિયા

આમ એકાએક હિંગથી તરબોળ લાગે.

સ્રોત

  • પુસ્તક : ઘરઝુરાપો (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : બાબુ સુથાર
  • પ્રકાશક : હેતુ પ્રકાશન
  • વર્ષ : 2010