ek shaal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કારણ કે

શાલ કોઈ માન-સન્માનમાં

મળી નહોતી

એટલે સાવ ચોખ્ખી છે.

કોણે આપી? ક્યારે મળી?

કશી ખબર નથી.

પરંતુ એટલી ચોક્કસ ખબર છે

એમાં બાએ થીગડાં મારેલાં.

જ્યારે આખી રાત ઊંઘ આવે નહિ

ચિંતા ને ઉચાટમાં પડખાં ફેરવતો હોઉં

ત્યારે થીગડાંવાળી શાલ

જાણે હળવે હળવે મને પંપાળતી હોય છે.

જૂનીપુરાણી સુંવાળી શાલ એવી છે

જે ઉનાળામાં ઠંડક આપે છે

ને શિયાળામાં હૂંફ આપે છે.

હવે,

જીવનની યાત્રાના અંતિમ દિવસે

મારી ચામડી કરતાં અધિક ચાહી છે તે

માત્ર થીગડાંવાળી શાલ રહે,

બીજું કંઈ નહિ.

હું જ્યારે નિઃશેષ થતો હોઈશ ત્યારે

થીગડાંવાળી શાલના

એકાદ છેડાને પકડી

અહીં રહીશ,

કાયમ.

સ્રોત

  • પુસ્તક : વસિયતનામું (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : રાજેન્દ્ર પટેલ
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2021