hun jiwto chhun - Free-verse | RekhtaGujarati

હું જીવતો છું

hun jiwto chhun

રાવજી પટેલ રાવજી પટેલ
હું જીવતો છું
રાવજી પટેલ

ખુરશીમાં ઝુલતી ડાળીઓ જોઈ શકાય છે.

અને

ઘોડાની નીચે એક બણબણતી બગાઈ સાલી

પ્રત્યેક ક્ષણે

મને વિતાડે છે.

હોય. બગાઈ છે બાપડી. ભલે.

પણ હું જીવતો છું કંઈ ઓછું છે!

હું મારા Boss–જીનો Personal telephone

તમાકુના છોડને ઉછેરીએ એવી કાળજીથી

નોકરીને પાલવું છું.

હોય. બૉસ છે બિચારો. ભલે.

પણ હું જીવતો છું કંઈ ઓછું છે!

ઘરમાં મોટેથી તો હસાય નહીં

લેંઘામાં ખણજ આવે ને તોય માળું

વલુરાય નહીં

હોય ત્યારે ઘર છે બચારું. ભલે.

પણ હું જીવતો છું કંઈ ઓછું છે!

यदा यदा हि धर्मस्य

मूकं करोति વાળો શ્લોક સ્મરતો હોઉં છું ત્યારે

કોકશાસ્ત્રની ગંદી આવૃત્તિ જેવી બાયડી

મને રોજ ઠૂંસા મારીને રાત બગાડે છે

હોય સાલી છે તે ભલે.

પણ હું જીવતો છું કંઈ ઓછું છે!

રસ્તા પર ગુલમ્હોર છે ને?

બાવળીઓ ક્હેવું હોય તો જા પણ છે ને?

નં. 4 ત્રીજો માળ. લીલછમ બારી પા તો

જોવાય નહીં

કરવતનો બોલાય

ને ખાવું હોય તોય બિસ્કિટ લેવાય

ને પાનના ગલ્લા આગળ ક્ષણિક ઓસરીમાં

રહ્યો રહ્યો મૃત દાદીમાના ઉછંગમાં કૂદાકૂદ

કરી લેવાય. પણ ઘોડીનું લીલી પા જોવાય નહીં. ભલે.

પણ હું જીવતો છું કંઈ ઓછું છે!

ને ખુરશીમાં ડાળીઓ ઝૂલતી જોઉં છું પાછી.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2