ghane warshe watanman - Free-verse | RekhtaGujarati

ઘણે વર્ષે વતનમાં

ghane warshe watanman

રાવજી પટેલ રાવજી પટેલ
ઘણે વર્ષે વતનમાં
રાવજી પટેલ

1

આજે મને લાગ્યું:

કે હું ખૂબ વધી ગયો.

મૂતરતાં મૂતરતાં જોયેલું છાપરું

બંગલો બની ગયું.

હુતુતુ રમતા’તા ભાગોળ

મને લેવા અઢી-બે માઈલ સામે આવી

એનો તો મને હવે ખ્યાલ આવ્યો

કે

બાપજીના મંદિરમાં

જશામાં ઓડણનો પાઠ કરતો’તો

માધલાના નાના નાના છ-સાત માધલા થઈ ગયા.

હનુમાનજીના પથરા જેવા મને જોઈ ને

બધા કૈંક રાજી થયા

પણ

લોકોને તે શી રીતે સમજાવું કે

ત્રણ-ચાર બસ ચૂકીને હું ચાલતો આવું છું.

2

ખેતરો વચ્ચેથી ટ્રેન સરકી જાય એટલો વખત

વૃક્ષ નીચેનાં વાતોડિયાં ઊભાં થઈ જુએ,

હળ હાંકતો ખેડુ રાશમાં બળદ ખેંચી લે,

આજ પરોઢે દોતાં પાસો છોડેલો તે

ભેંસ શેઢા પરથી માથું ઊંચકે.

ડોસીની કીકી વચ્ચેથી ભાગી છૂટી ધસમસતી,

ખેતરો વચ્ચે થૈ

ગામ-બંગડી જેવું ફેંકી ભાગી.

ડબ્બે ડબ્બે ડોકાતી’તી ટ્રેન.

ઘાસની જોડે વાત કરી લેવાની હોય એમ

મજૂરની છાતીમાં વ્હીસલ થઈ પેઠી સરકી.

આંખ ખૂલીને બંધ થાય કે

વૃક્ષ નીચેનાં પેલાં બેઠાં હેઠાં ચૂપ નિર્જીવ એમ.

કાનમાં કરપાતું ઘાસ, ભેંસ; હળ

ને

ગુપચુપ ગુપચુપ પાછી ફરી વારકી ટ્રેન સરી ગઈ સ્હેજ.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2