chandaranun - Free-verse | RekhtaGujarati

ચાંદરણું

chandaranun

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં

ત્યાં

આવી પડ્યું ચાંદરણું રૂપેરી.

મૂગું મૂગું હસીને મને ક્યાં

તેડી ગયું દૂર? - પ્રદોષવેળા

ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને

વહી જતી પાછળ રમ્યઘોષા

નદી; ભરીને જલ-કેશ ભીના

કપોલની શી સુરખી ભીની ભીની!

જતી હતી તું; નીરખી મને ને

અટકી જરા; ચાંદરણું રૂપેરી

ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી

ભીના ભીના રક્તકપોલની પરે...

આજે હશે ક્યાં અહ કેવી

જાણું ના...

જો ક્યાંકથી કવિતા કદીયે

વાંચે ભલા તો લઈ તું જજે હવે

(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા

કુમારને જે દીધ તેં) રૂપેરી

ભીનું ભીનું ચાંદરણું.....

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005