Smaran - Free-verse | RekhtaGujarati

દાદીમાના વાડામાં

ડોલતી

પીળી કરેણને

આજે સ્પર્શું છું :

ને બજી ઊઠે છે

સોનાની સો સો ઘંટડીઓ.

ઓરસડી પર ઘસાતી

સુખડમાંથી

જાગી ઊઠે છે

પરોઢિયે ઊંઘમાં સાંભળેલા

સ્તોત્રો.

ચાંદીની વાડકીમાં

ચન્દન જોતાં

કેશર - એલચીથી મઘમઘતા

મુરબ્બા માટે

હિજરાય છે ટેરવાં...

હૃદય હજીય

દાદીમાના

ગળચટા થપથપાટને

પડઘાવ્યા કરે છે

બન્ધ ડેલીની

સાંકળ

ખખડાવ્યે જાઉં છું…

પીળાં કરેણ

ખર્યે જાય છે

ટપોટપ

ટપોટપ…

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ