joie chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોઈએ છે

joie chhe

વિપિન પરીખ વિપિન પરીખ

ભવોભવના ફેરામાંથી મુક્તિ આપે

એવા પ્રભુની જરૂર નથી!

જોઈએ છે એક એવો પ્રભુ

જે

રેલવેના ટાઇમટેબલમાંથી મુક્તિ અપાવે,

ટ્રાફિકના સિગ્નલ પર દોડતી રક્તની ગતિને

અંકુશમાં રાખે,

જમ્બો જેટમાં

સમયને ઘસડાઈ જતો અટકાવે,

રેડિયો અને ટેલિવિઝનમાં મોકળાશ શોધતી

શૂન્યતાને ઠપકારે,

સવારે

સત્યનો વાઘો પહેરીને

આવતા સમાચારોથી અળગો રાખે

અને જાહેર ખબરોમાં

મને સસ્તે મૂલે વેચાઈ જતો રોકે.

જોઈએ છે

એક એવો પ્રભુ.....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 326)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004