shikari kutra - Free-verse | RekhtaGujarati

શિકારી કૂતરા

shikari kutra

મનીષા જોષી મનીષા જોષી
શિકારી કૂતરા
મનીષા જોષી

જંગલમાં દોડી રહ્યા છે

શિકારી કૂતરા,

કોઈ અપરાધીની શોધમાં.

સ્વપ્ન

હું ઘણી વાર જોઉ છું.

સવારે ઊઠું ત્યારે

મારા પોતાના શરીરની ગંધ

મને કંઈક ગુનાહિત લાગે છે.

કોઈ એક રાત્રે,

કોઈ એક સ્વપ્નમાં,

ફાડી ખાશે કૂતરા મને.

અને હું,

સફાળી જાગી જઈને

હતું હતું કરી નાખીશ સ્વપ્નને.

શિકાર અને શિકારી વચ્ચેનો ભેદ

બહુ લાંબો નથી ટકતો સ્વપ્નમાં.

વિકરાળ કૂતરા

બહુ જલદી

પૂંછ પટપટાવતા

બેઠા હશે મારી સામે.

અને હું

દોડાવીશ તેમને,

કોઈ અજાણ્યા શરીરની

નવી ગંધ પાછળ.

સ્રોત

  • પુસ્તક : કંદમૂળ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : મનીષા જોષી
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન પ્રા. લિ.
  • વર્ષ : 2013