shankar prjapatine malya pachhi (ek angat kawya) - Free-verse | RekhtaGujarati

શંકર પ્રજાપતિને મળ્યા પછી (એક અંગત કાવ્ય)

shankar prjapatine malya pachhi (ek angat kawya)

રાવજી પટેલ રાવજી પટેલ
શંકર પ્રજાપતિને મળ્યા પછી (એક અંગત કાવ્ય)
રાવજી પટેલ

મારી પાસે કશું નથી.

હું તો માત્ર ઇન્દ્રવર્ણ કવિતાનો પૂંજ.

લયમાં લપેટી મને

નીસર્યો છું યોનિબ્હાર.

પણ ભાઈ,

મારી પાસે માટી પણ નથી.

મારા બાપ પાસે માટી પણ નથી.

શંકર, તને ઘર જેવો નજીક હું લાગું

પણ હું તો માત્ર સ્ટેજકર્ણ,

મારે મન હૃદય તો ચીતરેલું ફળ

હું તો રિક્ત વાવ,

મારા તારા નામને વટાવી જાણું.

હું તો ચુડેલની પીઠ જેવો પોલો,

છોગાં મૂકી ખીલ્યો કવિતામાં,

પણ રામરામ

ધોળુંફગ હણહણું કુશકીનો ઘોડો

સદીઓનાં ગદેલાંમાં પડ્યો ખંખેરતો

પેઢીઓનો કાટ.

મારે માથે અટકનો તાજ.

મેં ખોઈ નાખી દ્વારિકા,

હું ઉછળતા દરિયાનો સ્વામી આજ કોકાકોલા

ખરીદું છું.

હું કૃષ્ણ હવે ડાઘુ,

મારી પાસે માટી પણ નથી.

વૉય વૉય કવિતાને પંપાળું.

કવિતામાં હીરોશીમા દીઠું ત્યારે

બીજાં શ્હેર ડબા જેવું ખખડીને કોરે ખસ્યાં.

બુદ્ધ જેવો બુદ્ધ પણ નયન ઢાળીને સાલો ઢોંગ કરે...

એવે વખતે હું ક્યાં?

મનુષ્યનું કુળ પાયમાલીની પાછળ પૈસો વેરે,

મારા લબાડ દાદે

ગંજીપામાં ઘસી પીધો જનમારો.

જીવન ચૂંગીના ધુમાડા જેવું પ્હોળું,

પરચૂરણ ગણવામાં વર્ષો વીતે,

મેં કાવ્ય લાખ્યાં;

મેં જન્મ્યા પ્હેલાં અંધારામાં

લસરી પ્રસરી લખી લવિતા.

વૃક્ષ બનીને ખેતર ખાધું,

ગાય-ભેંસની ખરીઓમાં મારગ થઈ પેઠો ખેતરમાં,

કાલામાંથી રૂ નીસરે છે એવો

કાવ્ય સરીખો પ્રસરું.

જન્મ્યા પ્હેલાં

પ્રસર્યો’તો હું રાજ્ય બનીને,

ઢેફાંની શૈયામાં લ્હેર્યો સૂર્ય બનીને.

પોચી પોચી ગરમીને મેં

પાંદડીઓથી પીધી.

વર્ષોનાં વર્ષો, સદીઓ સદીઓ, યુગો અવિરત

વિચારવેગી વીર્ય થઈ ને ઢેફે ઢેફે લસર્યો.

ચાંદો, માણસ, પ્હાડ નદી ને રસ્તાઓ મેં ચાખ્યા.

મારી ત્વચા નીચે ખેતર, વ્હેળા ને ઘાસ,

માછલાં, હલમલતો અંધાર અને

કાવ્ય લખ્યાંની પળો મને સાંભરતી,

ઇજિપ્તના કોઈ પિરામિડમાં વૈભવ વચ્ચે

લયભંગ થયો તે સાંભરતું,

નાળયેરની ટોચેથી મેં દીઠી વસ્તી,

અણજાણ કબરની ભીતરમાં ગંધાઉં.

કાવ્ય એટલે રતિક્રીડા

ક્ષણ મળતાં હું બંકો રાજા,

બબડક બબડક બોલું

હું નામ ખડકનું કોલું.

હું ચન્ચો મન્ચો વાત કરું તોય પ્રધાન જીજી કરતો.

કવિતા લૂણ ઉતારે.

મારા ભેદ આઠસો પચ્ચા

જીવવાનું છલ સાચું બચ્ચા.

પાપબાપને ઝોળીમાં પધરાવી કાશી જઈએ

જીવી ફોઈની બારશ-તેરશ ખઈએ.

હું ભગવાન આવો મોટો કવિકલંકી.

ફિલોસોફીની બિલ્ડિંગ બાંધી ત્રીજે માલે સૂતો.

મારું નામ મને આરોગે.

મને નામથી કોઈ બચાવો...

કવિતા મારી ક્યાંય ખપી ના.

ખરે વખત જે મારાં મારાં મારાં મારાં

સાલાં કોઈ થયાં ના.

તારો ભ્રમ છે તે; ફળ નથી.

હું તારો પ્રિય નથી,

હું તને ચાહતો નથી.

તો જે કઈં થાય છે ક્યારનું

અગડમ તે સરવાળો મારો તારો.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2