koro kagal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા પ્રલાપોને ટપકાવું છું

અને રચું છું છળ

કાગળ પર.

વિખેરું છું આખેઆખી બારાખડી

પછી

તોડી-મરોડી-જોડું છું

કે

ખોડું છું ખીલીની જેમ

ને

લટકાવું છું તે પર

વિચારોનાં દોરડાં

દોરડાં

લટકતાં લટકતાં

વળગણી બની જાય ને

ફરફરવા લાગે

ભીનાં સૂકાં વસ્ત્રો.

સાકરની કણી પર

ધસી આવે કીડીનું કટક તેમ

કોણ જાણે કેમ

ધસી આવે છે શબ્દો

લમ્બાતા કોરા કાગળ પર

જાળ ગૂંથાય છે

ને ફેંકાય છે પાણીમાં,

પાછી આવે છે ત્યારે

એમાં પાણીય નથી આવતું પાછું.

કદીક ગૂંથાય છે જાળું ને

કીટક રહી જાય છે બહાર.

શબ્દોથી ઊભરાતો આખો કાગળ

અન્દરથી તો

કોરો કોરો—

સ્રોત

  • પુસ્તક : કવિલોક - જાન્યુઆરી-ફેબ્રુઆરી 1998 (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : હેમંત દેસાઈ