kawiwar nathi thayo tun re - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કવિવર નથી થયો તું રે

kawiwar nathi thayo tun re

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
કવિવર નથી થયો તું રે
લાભશંકર ઠાકર

કવિવર નથી થયો તું રે

શીદને ગુમાનમાં ઘૂમે?

લઘરા, તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ

આંસુમાં પલળેલા શબ્દો

શબ્દો પાણીપોચા

પાણીપોચાં રણ રેતીનાં

પાણીપોચા રામ

પાણીપોચા લય લચકીને

ચક્રવાકને ચૂમે

કવિવર નથી થયો તે રે

શીદને ગુમાનમાં ઘૂમે?

લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર

મચ્છરની પાંખો ફફડે

શબ્દો તારા થરથર થથરે

ફફડાટોની કરે કવિતા

કકળાટોની કરે કવિતા

પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર ઝૂમે

કવિવર નથી થયો તું રે

શીદને ગુમાનમાં ઘૂમે?

શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે

વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે

અરે, ભલા! શીદ પરસેવાનું કરતો પાણી પાણી?

તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.

શબ્દો છોડી ખેતરને તું ખેડ

ડી. ડી. ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.

શબ્દોનો સથવારો છોડી

લવ લંપટના તંતુ તોડી

ઘર-આંગણિયે શાકભાજીને વાવો

કવિવર! વનસ્પતિ હરખાય અશું કૈં પ્રેરક સંગીત ગાઓ

અને જુઓ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં

આંખ સમીપે લટકે લૂમે લૂમ

કવિવર નથી થવું તારે

શીદને વિષાદમાં ઘૂમે?

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005