રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકવિતાનો શબ્દ
ક્યારેક કૂકરની બે વ્હીસલ વચ્ચે પણ
મળી જાય છે :
ક્યારેક અડધી રાતે
આકાશના તારા જોતાં જોતાં
જાગ્રત થતી જતી ચિંતનની પળોમાં
પણ નથી મળતો
ઉજાગરો કેમે કર્યો નથી ફળતો
ને પછી
અર્ધનિદ્રિત શેષરાત્રિની જાગતીસૂતી અવસ્થામાં
ગર્ભામાંનું બાળક
હળવેથી કૂણા કૂણા હાથપગ હલાવે
તેમ ધીરેથી મારી અંદર ફરકી
જગાડે છે મને...
કપડાંની ઘડી કરતાં અને ઉકેલતાં
કોણ જાણે કયા સળમાંથી નીકળી
તોફાની આંખો મીંચકાવી
છુપાઈ જાય છે ક્યાંક કોઈ બીજા સળમાં
ને ક્યારેક
ધાણીની જેમ મગજને ફોડી નાખતા
વિચારોની ધડાપીટ વચ્ચે તે ઊભો હોય
શાંત, વિસ્મયપૂર્ણ, નિષ્પાપ.
કવિતાનો શબ્દ
કંઈ ન કહીને
મને કહી જાય છે એ બધું જ
જે મારે મને કહેવું હોય છે.
જેને મારે સહેવું હોય છે.
જેમાં મારે વહેવું હોય છે.
અને એ પણ,
જેને મારે ખંખેરવું હોય છે.
(નવનીત-સમર્પણ, જાન્યુઆરી ૨૦૦૩, પૃ. ૨૧)
સ્રોત
- પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 365)
- સંપાદક : ઉષા ઉપાધ્યાય
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2007