Shabdapat - Free-verse | RekhtaGujarati

શબ્દપાત

Shabdapat

અનિલ જોશી અનિલ જોશી
શબ્દપાત
અનિલ જોશી

જેમ લંગડી છોકરીના હાથમાં

કાચા સૂતરનાં મોરપગલાં

એમ મારા હાથમાં

બાપુજીએ વાપરવા દીધેલ

શબ્દના સિક્કા હોય.

હું હરખપદૂડો થઈને

કૈંક ખરીદવા જાઉં ત્યાં

દુકાનદાર તાડૂકી ઊઠે :

'તારો સિક્કો ખોટો છે ભાઈ, ચાલતી પકડ.'

ચાલતી બસે ચડવું ફાવે નહીં.

હોહો ગોકીરો ને ધક્કામુક્કીમાં

ચંપલની પટ્ટીયે તૂટી જાય,

ચશ્મા નાક પર આવી જાય

ખમીસની સિલાઈ છૂટી જાય

છેવટે ઉઘાડપગો

મંદિરમાં જઈને

સિક્કો ઉછાળીને નક્કી કરું કે

સિક્કો આરતીમાં ફેંકી દેવો.

ધ્રૂજતે હાથે સિક્કો આરતીમાં ફેંકવા જાઉં ત્યાં

મંદિરનો ઓળખીતો પૂજારી હાથ પકડીને કહે :

'તું તો કવિ છે.

તારે તો દીવો ઠરવો જોઈએ શરતે

વાવાઝોડાની આરતી ઉતારવાની છે.

લે આરતી ને ગંગાઘાટે જઈ ગંગાલહરી લખ.'

ગંગાઘાટે તો

જેની આખી જિંદગી

લૂગડાંની કરચલી ભાંગવામાં ગઈ

ગંગાઘાટનો વૃદ્ધ ધોબી

કાયાની કરચલી ભાંગી શકતો નથી

કરચલીવાળા હાથે ઊંચકાતી ઇસ્ત્રીની જેમ

હું ફાઉન્ટનપેન ઊંચકીને ગંગાલહરીની માંડણી કરું ત્યાં

શ્લોકે શ્લોકે ગંગાના પાણી સુકાતાં જાય... સુકાતાં જાય...

સ્રોત

  • પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1976 (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ