ગૌહર રઝા
Gauhar Raza
દિગંતકાળના આ વિસ્તારમાં
નિરંતર ફેલાતું આ બ્રહ્માંડ,
જેને રચવામાં પ્રકૃતિને
લગભગ 14 હજાર અબજ વર્ષ લાગ્યાં છે.
એ કરોડોકરોડ મંદાકિનીઓથી ભર્યું છે,
જેમાંથી એક છે,
આપણી આકાશગંગા – મિલ્કી વે.
અનંતની આ ‘લઘુઅનંત’ સમી આકાશગંગામાં છે અનેક અબજો-અબજ તારાઓ.
જો આ આકાશગંગાને એક છેડેથી પ્રકાશનો કણ નીકળે તો
તેને બીજે છેડે પહોંચતાં એક લાખથી વધારે પ્રકાશવર્ષ લાગે,
પણ આ બ્રહ્માંડનાં વિસ્તારમાં પોતાની ઘૂમતી
આ આકાશગંગા,
પોતે એક કણથી વધારે નથી,
પણ જરા થોભો,
એનાં એક કાંઠે છે એ ઝીણકો-શો તારો
ખૂબ જ સુંદર, ચમકતો,
અને આ તારાના પડોશી તારા,
સૌથી નજીક હોવા છતાં લગભગ ચાર પ્રકાશવર્ષથી વધારે દૂર.
આ તારાની ચોમેર ચક્કર લગાવે છે નવ દડા,
અમુક નક્કર તો અમુક ગેસથી બનેલા
એમના અલગ અલગ અદ્ભુત રંગ,
આ પૈકી એક દડો,
અદ્ભુત, નિરાળો અને સૌથી અલગ,
વાયુમંડળની પાતળી ચાદરમાં લપેટાયેલો,
દૂરથી જુઓ તો વાદળી-લીલી આભાથી દિપ્ત,
જો દરિયાકાંઠેથી રેતનો એક કણ લઈએ,
એ કણને કાંઠે હોય તે તમામ કણ જેટલા ભાગમાં વહેંચીએ,
તો ફેલાયેલાં બ્રહ્માંડની તુલનામાં,
રેતના પેલા કણથી પણ નાનો છે આ ઝીણકો-શો દડો,
જેને આપણે ‘ધરતી’ કહીએ છીએ.
બ્રહ્માંડનાં અગાધ વિસ્તારમાં આ ઝીણકા-શા દડાની બસ આટલી હેસિયત છે.
આ દડાની ઉંમર છે 4.5 અબજ વર્ષ
એટલી જ એના પરિવારના અન્ય સભ્યોની છે
બ્રહ્માંડની સરખામણીએ અડધાથી થોડી ઓછી.
આ સુંદર દડો બન્યો છે ખારા પાણીથી ભરાયેલા સમુદ્રોથી,
કઠણ ધરતીની પરતથી,
અને અંદર ઉકળતા, ઓગળતા લાવાથી,
એમાં જામેલો બરફ છે,
મીઠાં પાણીનાં સરોવરો છે,
તળાવો છે,
વહેતી નદીઓ છે,
પહાડો પર હસતાં ઝરણાં છે.
સમુદ્રોમાં, સૂકી જમીન પર,
અને બરફ પર પણ,
પ્રકૃતિએ જિંદગીનાં હજારો ચહેરા રચ્યાં છે,
એમાંથી હજારો હજારો ચહેરાઓ
હર પળે પેદા થઈ રહ્યાં છે,
લુપ્ત પણ થઈ રહ્યાં છે,
જીવનપ્રવાહનો આ નિરંતર અવિરામ ઉત્સવ છે.
બ્રહ્માંડનાં આ અનંત વિસ્તારથી અલગ
આ સુંદર ઝીણકા-શા દડા પર કઠણ ધરતીના સાત ટુકડા છે,
આ નાના-નાના ટુકડાઓ પર નાના-નાના દેશ છે,
આ દેશોમાં નાનાં-નાનાં શહેર છે,
આ નાનાં-નાનાં શહેરોમાં નાના-નાના મહોલ્લાઓ છે,
આ નાનકડા મહોલ્લાઓમાં નાનકડી ઇમારતો છે,
અને કદાચ આ જ નાનકડી ઇમારતોમાંથી કોઈ એક ઇમારતના
નાનકડા ઓરડામાં બેસીને તમે આ ચોપડી વાંચી રહ્યાં છો.
સૃષ્ટિની આ પળ, આ ક્ષણ જેમાં તમે આ ચોપડી વાંચી રહ્યાં છો,
તેને પેદા કરવામાં 13.799 અબજથી વધારે વર્ષો લાગ્યાં છે,
આ વાર્તાના અંતમાં
એ સવાલ પૂછવો જરૂરી બની જાય છે કે
પ્રકૃતિએ 13.799 અબજ વર્ષ લગાવીને
આપણને, યાને માણસને શું કામ પેદા કર્યો?
માણસનું દિમાગ જે કદાચ
સૃષ્ટિની સૌથી સુંદર નીપજ છે
આખરે એની જરૂરત શું હતી?
જરૂરી ખરું, પણ આ ફક્ત વિજ્ઞાનનો સવાલ નથી.
આ સવાલ તો આપણે
અલગ-અલગ અને સાથે મળીને પણ પૂછવો પડશે,
શું પ્રકૃતિએ આપણને એટલાં માટે પેદા કર્યાં કે આ નાનકડાં દડા પર,
આપણે કબજો જમાવીએ,
પોતાને દેશો, જાતિઓ, ધર્મો, નસલો, પ્રાંતો, ભાષાઓમાં વહેંચી દઈએ,
અને આપણી નાનકડી જિંદગીમાં નફરત વાવીએ અને નફરત લણીએ,
શું આપણે આ નાનકડાં દડા પર એટલાં માટે પેદા થયાં છીએ કે,
આ દડા માટે જ ખતરો બની જઈએ,
એના દરેક પ્રાણી માટે ખતરો બની જઈએ,
એવાં ખતરનાક હથિયારો બનાવીએ,
અને આવાં હથિયારો ખડકલો કરી દઈએ
જે આ ધરતીને જ નષ્ટ કરી દે,
સૃષ્ટિના ખજાનાને એ રીતે લૂંટીએ કે,
આવનારી પેઢીઓ માટે કંઈ ન બચે,
સમાજનો એવો ઢાંચો બનાવીએ કે એક ટકા માણસો પાસે ધરતીની 90 ટકા દોલત હોય,
અને બાકીના 90 ટકા માણસો રોટી માટે તરસ્યા કરે,
આપણે પૂછવું પડશે કે સૃષ્ટિની આ સફરને આપણે ચાલુ રાખવી છે કે નહીં,
આપણે અમન અને શાંતિના હકમાં આપણું દિમાગ વાપરવું છે કે પછી,
યુદ્ધ હશે આપણું લક્ષ્ય.
જિંદગીનાં નાનાં-નાનાં સ્વાર્થ પૂરાં કરવાની લ્હાયમાં,
આપણે ભૂલી જઈએ છીએ કે
સૃષ્ટિએ માનવતા માટે એક મહાન લક્ષ્ય પણ નિયત કરેલું છે
‘પ્રકૃતિનાં રહસ્યોને જાણવા-સમજવાનું લક્ષ્ય’,
વિજ્ઞાન એ લક્ષ્યની અભિલાષામાં સતત આગળ વધતાં રહેવાનું નામ છે.
(અનુ. મેહુલ મંગુબહેન)
સ્રોત
- પુસ્તક : દંતકથાઓથી વિજ્ઞાન સુધી
- સર્જક : ગૌહર રઝા
- પ્રકાશક : કલ્પવૃક્ષ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2025
