Satya - Free-verse | RekhtaGujarati

હું ત્યારે ફરતો હતો આકાશમાં

મુક્ત મને

અને તું જોતી હતી સ્વપ્ન :

“એક શિશુના ગુલાબી ગાલ ઉપર

વરસાવતી હતી તારું હેત.

નાની નાની કીકીઓમાં મૂકતી હતી

તારા શૈશવનાં ગીત.

વિચારતી હતી : કોણ હશે એ?

સુજાતા કે સિદ્ધાર્થ?

મોનાલી કે શિરીષ?

કેવો હશે? પપ્પા જેવો,

મમ્મી જેવો?

ઊનના દોરા વડે

તું ગૂંથતી હતી કોનું નામ?

દોડીને સંતાઈ જતો

ને તું

જાણે અચાનક મૂંઝાઈ જતી

ને બૂમ પાડતી 'ક્યાં છે તું?'

હું છું

જ, તારા સ્વપ્નનો શિશુ.

તને ગભરાયેલી જોઈને દોડી આવ્યો

ને તારા હોઠ ઉપર

નામ થઈને છવાઈ ગયો.

તેં મને કેટલે દૂરથી બોલાવ્યો, મા?

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1977 (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ