બલરાજ કોમલ
Balraj Komal
ભૂખરા અને ધોળા રંગનો
ગેલ કરતો વછેરો
ગામડાના ઘોંઘાટિયા મેળામાંથી મળી આવ્યો
અને તાલીમ આપનારના દંડા અને ચાબૂકને તે સ્વાધીન કરાયો.
વછેરો ઝડપથી ધ્યાન ખેંચે એવી યુકિ્તઓ શીખી ગયો.
વિસ્તૃત થતા વર્તુલમાં ઝડપથી ચક્કર ચક્કર ફરે,
અને સળગતી ફ્રેમો વચ્ચેથી કૂદકો મારી પાર કરી જાય,
અને બે ચબરાક વાંદરોને
પોતાની પીઠ પર સહેલાઈથી લઈ જાય,
પોતાના તાલીમબાજની ચાબૂકના સટાકાને અનુરૂ૫ ઊછળે :
અને તે જે મનોરંજન પૂરું પાડતો તે અચ્છું અને મજાનું હતું.
વર્ષો સુધી પ્રવૃત્તિથી અશાંત એવાં નગરોમાં તે ભમ્યો.
સરકસનો અશ્વ –
અને તે પાછળ મૂકી જતો તેના ચાહકોની લાંબી હાર
અને આશ્ચર્ય, હાસ્યવિનોદ અને વાહવાહની તાળીઓ.
તેનું ઇનામ તે પામ્યો તેની વિજયી છલાંગોમાં.
જીવનપ્રવાહની નિયમબદ્ધ યાત્રા પૂરી થઈ એટલે
તેને ફરીથી ગામડાના મેળામાં મૂકી દેવાયો.
થનગનતો વછેરો અહીંથી ગયો હતો, વયોવૃદ્ધ ઘોડારૂપે તે પાછો ફર્યો.
જન્મમૂમિના સૂર્યપ્રકાશમાં અને જન્મભૂમિની હવામાં.
અપરિચિતો ટોળે વળ્યા
આ પરદેશી મુસાફરને કુતૂહલથી નીરખવાને.
(અનુ. ઇન્દ્રજિત મોગલ)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
